જામનગર – રાજકોટ ધોરી માર્ગ આજે સવારે ચાર – ચાર વ્યકિતના મૃત્યુના કારણે રકતરંજતિ બન્યો છે. જામજોધપુર થી એક યુવાનને સારવાર માટે લઇ જવાતી વખતે ઇકો કારના ચાલકને ઝોકું આવી જતા સોયલ નજીક નદીની કેનાલમાં ઇકો કાર ખાબકી હતી. જે દુર્ઘટનામાં ચાર વ્યકિતની અંતરિયાળ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો છે. આ અકસ્માતના બનાવથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ધ્રોલ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામના એક યુવાનને વાલની બિમારી હોવાથી તેને વહેલી સવારે જામજોધપુર થી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી રહ્યો હતો. જેને તેજ ગામના હરેશ અરજણભાઇ કરચીયા નામના ઇક્કો કારના ચાલકે ઇકો કારમાં બેસાડી જામજોધપુરથી રાજકોટ જવા માટે નીકળ્યા હતા. તેમની સાથે રસિકભાઇ જીવણભાઇ કદાવલા, નારણભાઇ કરશનભાઇ સોમાત અને ટપુભાઇ કાનાભાઇ કારેણા વગેરે જોડાયા હતા. જે ઇકો કાર આજે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં સોયલ ટોલનાકા નજીક પહોંચતા ઊંડ નદીની કેનાલના પુલિયા ઉપર ડ્રાઇવરને ઝોકું આવી જતા ઇકો કાર પુલિયા પરથી નીચે ખાબકી હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જે દુર્ઘટનામાં ઇકો કારના ચાલક હરેશ અરજણભાઇ તેમજ રસિક નારણભાઇ કરશનભાઇ અને ટપુભાઇ કાનાભાઇ ચારેયના ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. આ ઉપરાંત અન્ય એક યુવાન ધીરૂભાઇ ભીમાભાઇ કદાવલા ને ફ્રેકચર સહિતની ઇજા થઇ હોવાથી ૧૦૮ની ટીમ દ્વારા તેને ઇકો કારમાંથી બહાર કાઢી સારવાર માટે ધ્રોલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.આ અકસ્માતની જાણ થતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિક જામ પણ થયો હતો. ધ્રોલ પોલીસની ટુકડી તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. પોલીસે તમામ મૃતદેહને બહાર કાઢી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા હતા. આ બનાવને લઇને જામજોધપુર તાલુકાના જીણાવારી ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.