RTI એક્ટિવીસ્ટ બની 3 લાખ માંગતા ખંડણીખોરને ભુજ પોલીસે ACBની જેમ ટ્રેપ કરી ઝડપ્યો

ટુંડા વાંઢના મયૂર આતુભાઈ મહેશ્વરી નામના શખ્સે આસંબિયાના તલાટી અને ખાણ-ખનિજ વિભાગમાં RTI કરી તેમની કંપની અંગેની કેટલીક માહિતી મેળવી હતી. આ માહિતીના આધારે મયૂર મહેશ્વરીએ લક્ષ્મીકાંતભાઈને તેમની કંપનીને સીલ મરાવી દેવાની અને લાયસન્સ રદ્દ કરાવી દેવાની ધમકી આપી 3 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જે પૈકી ધાક-ધમકી આપી ચાર દિવસ અગાઉ 20 હજાર રૂપિયા પડાવી લીધા હતા.ભુજમાં ACBની જેમ પોલીસે છટકું ગોઠવી રંગેહાથ પકડ્યો લક્ષ્મીકાંતભાઈએ આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસને ફરિયાદ કરતાં પોલીસે મયૂરને નાણાં સ્વિકારતો રંગેહાથ ઝડપી પાડવા ACBની જેમ ટ્રેપ ગોઠવી હતી. મયૂરે નાણાં સ્વિકારવા માટે ફરિયાદીના માણસને ભુજના જ્યુબિલી સર્કલ નજીક આવેલી પાંઉભાજીની એક રેસ્ટોરન્ટ ખાતે બોલાવ્યો હતો. પોલીસ પણ રેસ્ટોરન્ટમાં સાદા વેશમાં ગોઠવાઈ ગઈ હતી. અહીં આવી આરોપીએ પાંઉભાજી આરોગીને ફરિયાદીના માણસ પાસેથી નાણાં સ્વિકાર્યાં હતા. જેવા તેણે 50 હજાર રૂપિયા સ્વિકાર્યાં કે તુરંત પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર રણજીતસિંહ એન.ખાંટે જણાવ્યું કે આરોપીને રીમાન્ડ પર લઈ તેણે પડાવેલાં 20 હજાર રૂપિયા પણ રીકવર કરવામાં આવશે.