ભુજ શહેરમાં વધી રહેલી દારૂની બદી વચ્ચે આઈજી સુભાષ ત્રિવેદીએ બોલાવેલા સપાટાને પગલે સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ છે. ભુજ એલસીબી પોલીસે શહેરના ધમધમતા વિસ્તાર ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસેથી ૩૫,૬૫૦ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપીને વપરાશમાં લેવાયેલી અઢી લાખની બે કાર સાથેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કિસ્સામાં નાસી છૂટેલા બુટલેગરો રામ ભટ્ટ અને મહેન્દ્રસિંહ ગોહિલ વિરુદ્ઘ ગુનો નોંધ્યો છે. બન્ને નામીચા બુટલેગરો છે. પણ, પોલીસે તેમને દ્યણા સમય પછી પકડતાં તર્કવિતર્ક વહેતા થયા છે. બીજા બનાવમાં ભુજની ભાગોળે લક્કીવાળા યક્ષ મંદિર પાસેથી એલસીબીએ સ્કોર્પિઓ જીપનો પીછો કરતા ડ્રાઇવર જીપ છોડી નાસી છૂટ્યો હતો. આ જીપમાંથી ૮૯ હજારનો વિદેશી દારૂનો જથ્થો અને ૫ લાખની બોલેરો જીપ જપ્ત કરી નાસી છૂટેલા બુટલેગર વિરુદ્ઘ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ભુજના આશાપુરાનગરમાંથી ઝડપેલા દારૂના ગુનામાં બુટલેગરો રાજ બિપિન રાજગોર, અનિલ રાજગોર અને અજાણ્યા શખ્સ દ્વારા બાતમીદાર નરેશ દેવજી ચાવડાને પોલીસને બાતમી આપ્યાનો વહેમ રાખીને માર મારવામાં આવ્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાઇ છે. દરમ્યાન ભુજમાં દારૂનો જથ્થો ઝડપાયા બાદ પોલીસ મૂળ સુધી પહોંચે તો દારૂની બદી ઉપર અંકુશ આવે તેવું લોકો માની રહ્યા છે.