ગેરકાયદે ગોડાઉન પર એક્સાઈઝ વિભાગે દરોડા પાડી ઝડપ્યો કરોડો રૂપિયાનો દારુ

ગુજરાત એટલે ગાંધી નું ગુજરાત, જયાં જુગાર અને દારૂ જેવા દુષણો પર સખ્ત શબ્દોમાં પાબંદી છે. પરંતુ એજ ગાંધીના ગુજરાતમાં છેડે ચોક દારૂનું વેચાણ થઇ શકે…!! ધીમી ધારે પરંતુ ગુજરાત પોતાની સંસ્કૃતિનો ઓળખ ગુમાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. એક સમયે શાંત રાજ્યની ઓળખ ગણાતા ગુજરાતમાં ધીરે ધીરે દારૂ, જુગાર, દુષ્કર્મ અને અન્ય ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. વાત કરીએ વાપીની તો, ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ગેરકાયદે દારૂની સપ્લાયમાં માસ્ટર માઇન્ડ અને બૂટલેગર રમેશ ઉર્ફે માઇકલના ત્રણ ગોડાઉન ઉપર બુધવારે એક્સાઇઝ વિભાગની ટીમે રેઇડ કરી હતી. આ રેઇડમાં અંદાજે રૂપિયા 3 કરોડનો દારુ અને 8 કાર, 6 ટેમ્પા અને 2 બાઇક જેની કિંમત રૂપિયા દોઢ કરોડ પોલીસે કબજે કાર્ય હતા. આ રેઇડ ને લઈને સમગ્ર દમણ પંથકમાં ચકચાર મચી ગઈ છે. સાથે સાથે આ રેઇડમાં પોલીસે માઇકલના પુત્ર સહિત 12 ઇસમોની ધરકપડ કરી છે. અને કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે દારૂ પહોંચાડવાનું નેટવર્ક ચલાવનારા રમેશ પટેલ ઉર્ફે માઇકલના નાની દમણ સ્થિત ભીમપોરના ત્રણ ગોડાઉનમાં બુધવારે મોડી સાંજે દમણ એક્સાઇઝના કમિશનર અને કલેકટર ડો. રાકેશ મિન્હાસ, ડેપ્યુટી કમિશનર ચાર્મી પારેખ તેમની ટીમ સાથે દરોડા પાડ્યા હતા. ભીમપોર સ્થિત દારૂના ત્રણ ગોડાઉનમાં એક સાથે જ રેઇડ કરાતા અફરાતફરી મચી હતી. કોઇપણ જાતના બિલિંગ કે એક્સાઇઝ ડયુટી ભર્યા વિનાનો આ દારૂનો જથ્થો મળી આવતા એક્સાઇઝ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરી હતી.ઉલ્લેખનીય છે કે, રમેશ ઉર્ફે માઇકલ સમગ્ર ગુજરાતમાં દરેક શહેરમાં ગેરકાયદે દારૂ ઘુસાડવાની પ્રવૃતિમાં સામેલ છે. રમેશ ઉર્ફે માઇકલ ટ્રેલર ટ્રક અને શિપિંગ કન્ટેનરમાં અને દરિયાઇ માર્ગે પણ દારૂની ખેપ મારતો હતો. ગુજરાત પોલીસમાં રમેશ માઇકલ સામે 40થી વધુ કેસો નોંધાયા છે. જયારે હજુ પણ કેટલાક કેસોમાં વોન્ટેડ છે. બે વર્ષ અગાઉ આઇટી વિભાગની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ઇડી) ટીમે દરોડા પાડીને બે કરોડની ત્રણ લકઝરિયસ કાર, 2.54 કરોડનો દારૂનો બેનામી સ્ટોક તથા 100 કરોડથી વધુના પ્રોપટી દસ્તાવેજ સીઝ કર્યા હતા.