સીએએ સામે દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે સરહદી જિલ્લા ભુજમાં જંગી સમર્થન રેલી યોજાઈ . કચ્છ જિલ્લા નાગરિક સમિતિ દ્વારા આયોજિત તિરંગા રેલી પૂર્વે ભુજમાં હોટેલ વિરામના ગ્રાઉન્ડ મધ્યે યોજાયેલ જાહેરસભામાં કચ્છભરમાંથી ઉમટેલા લોકોને વિવિધ સમાજ, સંસ્થાઓ, ધાર્મિક સંપ્રદાય અને રાજકીય આગેવાનો ઉપરાંત કચ્છમાં આશરો લેનારા શરણાર્થી આગેવાનોએ સંબોધન કર્યું હતું. અન્ય દેશોમાં રહેતા લઘુમતી હિંદુઓ માટેની સમસ્યા, મુશ્કેલી વર્ણવતા પાકિસ્તાનના સિંધ પ્રાંતના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, જ્યાં રહેતા હોઈએ તે દેશ છોડવો પડે એવા સંજોગોમાં ક્યાં આશરો લેવો એ વિશે સૌથી વધુ મૂંઝવણ અનુભવાતી હોય છે. ત્યારે સીએએ દ્વારા નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ ભારતમાં નાગરિકતા મેળવ્યા વગર રહેતા હજારો પરિવારો તેમ જ વિશ્વભરમાં વસતા લાખો હિન્દુઓનું દિલ જીતી લીધું છે. ભાજપના પ્રદેશ અગ્રણી ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, સીએએ વિરુદ્ધ થઈ રહેલા દુષ્પ્રચારને રોકીને લોકો સુધી સૌ સાચી હકીકત પહોંચાડીએ. કહેવાતા સેક્યુલરો દેશમાં કાશ્મીરી પંડિતોની હાલત પ્રત્યે વર્ષો સુધી મૌન રહ્યા. અત્યારે વિરોધીઓને પ્રોત્સાહન આપતી કોંગ્રેસે અત્યાર સુધી શું કર્યું? સીએએનો કાયદો કોઈની વિરુદ્ધ નથી. કાર્યક્રમમાં કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ, કચ્છી લેવા પટેલ સમાજ, અન્ય સમાજોના આગેવાનો, સંતોએ પણ સીએએના કાયદાને શરણાર્થી પરિવારો માટે મહત્વનો ગણાવ્યો હતો. જાહેરસભા બાદ જન સમર્થન રેલી તિરંગા યાત્રા સાથે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં કલેકટરને સીએએના કાયદાને સમર્થન કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જન સમર્થન રેલીના આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, રાજયમંત્રી વાસણ આહીર, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા.