અંજારની પોકસો કોર્ટે નો ધાક બેસાડતો ચુકાદો ત્રણ આરોપીને સાડા પાંચ વર્ષની જેલ

અન્ય રાજયોમાંથી ગરીબ પરિવારની દીકરીઓને લાલચ આપી તેનું અપહરણ કરીને વેચી નાખવાના ષડ્યંત્રના મૂળિયા કચ્છ સુધી પણ પહોંચી આવ્યા છે. જોકે, પૂર્વ કચ્છ પોલીસે પકડેલા આવા એક કિસ્સામાં અંજારની પોકસો કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. ગત ૨૦૧૫ દરમ્યાન અંજારના મેઘપર બોરીચીમાં રહેતા કરીમ જુસબ ખલીફા નામના ઇસમ દ્વારા સગીર વયની છોકરીઓનું લગ્નની લાલચ આપીને ખરીદ વેચાણ કરાતું હોવાની બાતમીને આધારે પોલીસે તેના ઝુંપડા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન અહીં ૧૫ વર્ષીય સગીર વયની પરપ્રાંતીય કિશોરી ઉપરાંત તે છોકરીને ૪૦ હજાર રૂપિયામાં લગ્ન માટે ખરીદનાર રમેશ દેવા પ્રજાપતિ સાથે દેવા મૂળજી પ્રજાપતિ, દશરથ જીવા પ્રજાપતિ અને આ છોકરીનો સોદો કરાવનાર કરીમ જુસબ ખલીફા ઝડપાયા હતા. દરમ્યાન આ ૧૫ વર્ષીય સગીરા બિહારના વર્ધમાન જિલ્લા ની રહેવાસી હોવાનું અને તેણીનું સાલેહા ખાતુન વઝીહદા શાહ નામની બિહારી મહિલાએ કર્યાનું અને તે સગીર છોકરીને અંજારના કરીમ જુસબ ખલીફાની મદદથી રમેશ પ્રજાપતિને ૪૦ હજાર રૂપિયામાં વેચી હોવાનું ખુલ્યું હતું. લગ્ન માટે સગીરાને ખરીદનાર રમેશ પ્રજાપતિએ સગીરા સાથે બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધીને બળાત્કાર કર્યો હતો. આ કેસનો ચુકાદો આપતા અંજારની પોકસો કોર્ટના એડી.સેશન્સ જજ ડી.જે. મહેતાએ ત્રણ આરોપીઓ છોકરીનું અપહરણ કરી વેચનાર બિહારની મહિલા સાલેહ ખાતુન, વચેટીયા દલાલ કરીમ ખલીફા અને સગીરા ઉપર બળાત્કાર ગુજારનાર રમેશ પ્રજાપતિને સાડા પાંચ વર્ષની જેલની સજા તથા એક એક હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકાર તરફથી એડવોકેટ આશીષ બી. પંડયાએ ધારદાર દલીલો કરી હતી.