ચિરીપાલ અગ્નિકાંડ: આરોપીઓએ મૃતકોના પરિવારને 10 લાખ આપી સમાધાન કર્યું

ચિરીપાલ ગૃપની નંદન ડેનિમના અગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓે કાયમી જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેમાં આજે આરોપીઓએ રજૂઆત કરી હતી કે તેમણે મૃતકોના પરિવારજનોને રૂપિયા દસ-દસ લાખ ચૂકવ્યા છે, તેથી તેમની જામીન અરજી મંજૂર થવી જોઇએ. જ્યારે મૃતકોના પરિવારજનોએ પણ કોર્ટમાં અરજી કરી છે કે આરોપીઓને જામીન આપવામાં આવે તો તેમને વાંધો નથી. કોર્ટે તમામ પક્ષોની રજૂઆત સાંભળી સુનાવણી પૂર્ણ કરી છે અને ચુકાદો બુધવાર પર અનામત રાખ્યો છે.નંદન ડેનિમના ડિરેક્ટર પ્રકાશ શર્મા, ફાયર સેફ્ટી ઓફિસર રવિકાંત સિન્હા અને શર્ટીંગ ડિવીઝનના હેડ ની જામીન અરજીમાં આજે રજૂઆત કરવામાં આવી હતી કે કંપનીમાં ફાયર સેફ્ટી માટે ૧૪ કર્મચારીઓની ટીમ હતી. આગ લાગ્યા બાદ કંપનીના જ ફાયર સેફ્ટી વિભાગ દ્વારા આધ ઓલવવાના પ્રયત્નો કરાયા હતા .આ અંગેના સી.સી.ટી.વી. ફૂટેજ અને ફોટોગ્રાફ પણ છે. કંપની પાસે ફાયર સેફ્ટીના પૂરતાં સાધનો છે. અહીં આકસ્મિક કારણોસર આગ લાગી હોવાથી આઇ.પી.સી.ની કલમ ૩૦૪ નહીં પરંતુ ૩૦૪(એ) મુજબનો ગુનો બને છે. આરોપીઓ જામીન મેળવી ક્યાંય નાસી જાય તેવો ડર નથી.તેથી કોર્ટે તેમના જામીન મંજૂર કરવા જોઇએ. આ ઉપરાંત તેમણે મૃતકોના પરિવારજનોને રૂપિયા દસ-દસ લાખનું વળતર પણ ચૂકવ્યું છે. જ્યારે મૃતકોના પરિવારજનોએ પણ કોર્ટ રજૂઆત કરી હતી કે આરોપીઓને જામીન મળે તો તેમને કોઇ વાંધો નથી. આરોપીઓની જામીન અરજીના વિરોધમાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીની રજૂઆત હતી કે કંપનીમાં સક્ષમ ફાયર સેફ્ટી ટીમ અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોય તો આટલી મોટી આગ કેવી રીતે લાગી શકે? આરોપીઓની બેદરકારીના કારણે આગ લાગી છે અને કેસની તપાસ પણ હાલ ચાલી રહી છે. આરોપીએ જેલમાં છે છતાં મૃતકોના પરિવારને પૈસા આપી તેમને ફોડી રહ્યા છે. આવા આરોપીઓને જામીન પર છોડવામાં આવે તો કેસના પુરાવાઓ સાથે ચેડાં થાય અને સાક્ષીઓ પર વિપરિત અસર થાય તેવી સંપૂર્ણ શક્યતા છે.