ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે વરસાદના લીધે ટી બ્રેક પછી મેચ રમાઈ નહોતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 55 ઓવરમાં 5 વિકેટે 122 રન કર્યા. દિવસના અંતે અજિંક્ય રહાણે 38 રને અને ઋષભ પંત 10 રને અણનમ રહ્યા. કિવિઝ માટે પોતાની પ્રથમ મેચ રમી રહેલા કાઈલી જેમિસને બોલ સાથે શાનદાર દેખાવ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ચેતેશ્વર પૂજારી, વિરાટ કોહલી અને હનુમા વિહારીને 7 રને આઉટ કરીને ભારતીય બેટિંગ લાઈનઅપની કમર તોડી હતી. તેના સિવાય ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટે 1-1 વિકેટ લીધી હતી.
ભારતની વિકેટ આ રીતે પડી: – (1) પૃથ્વી શો ટિમ સાઉથીના મિડલ અને ઓફ પર પિચ થયેલ બોલને ફૂટ મૂવમેન્ટ વગર લેગસાઈડ મારવા ગયો હતો. જોકે બોલ મૂવ થતા પૃથ્વી બોલ્ડ થયો. તેણે 18 બોલમાં 2 ફોરની મદદથી 16 રન કર્યા હતા. (16-1) (2) ચેતેશ્વર પુજારા 11 રને કાઇલી જેમિસનની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. બોલ લેટ મૂવ થતા પુજારા કઈ કરી શકે તેમ નહોતો. (35-2) (3) વિરાટ કોહલી જેમિસને નાખેલા વાઈડ બોલમાં ડ્રાઈવ કરવા જતા માત્ર એજ મેળવી શક્યો હતો અને ટેલરે ફર્સ્ટ સ્લીપમાં તેનો સરળ કેચ કર્યો હતો. ઇન્ડિયન કેપ્ટન 2 રને પેવેલિયન ભેગો થયો હતો. (40-3) (4) મયંક અગ્રવાલ ટ્રેન્ટ બોલ્ટના શોર્ટ બોલમાં પુલ શોટ રમવા જતા ફાઈન લેગ પર જેમિસનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 84 બોલમાં 5 ફોરની મદદથી 34 રન કર્યા હતા. તે સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહોતો. (88-4) 5) હનુમા વિહારી 7 રને જેમિસનની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. (101-5) રોસ ટેલર ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર વર્લ્ડનો પ્રથમ પ્લેયર બન્યોછે. તેમજ સ્ટિફન ફ્લેમિંગ, ડેનિયલ વિટ્ટોરી અને બ્રેન્ડન મેક્કુલમ પછી કિવિઝ માટે 100 ટેસ્ટ રમનાર ચોથો પ્લેયર બન્યો છે. તેણે મેચ પહેલા કહ્યું હતું કે, “100મી ટેસ્ટમાં બધાને સારું પ્રદર્શન કરવું હોય છે. પરંતુ હું તેનું દબાણ લઈશ નહીં. આ મેચને પણ અન્ય કોઈ ગેમની જેમ જ લઈશ. મને આશા છે કે હું સીરિઝની પહેલી મેચમાં ટીમ માટે જરૂરી યોગદાન આપીશ.” 35 વર્ષીય ટેલર અત્યાસુધીની 99 ટેસ્ટમાં 46.28ની એવરેજથી 7174 રન કર્યા છે, જેમાં 19 સદી અને 33 ફિફટી મારી છે. તેણે 231 વનડેમાં 21 સદી અને 51 ફિફટીની મદદથી 8570 રન, જ્યારે 100 T-20માં 7 ફિફટીની મદદથી 1909 રન કર્યા છે.