નાસાનાં પ્રથમ માર્સ હેલિકોપ્ટરનું નામ રાખવા માટે એક સ્પર્ધા યોજાઈ હતી. ભારતીય મૂળની ૧૭ વર્ષની છોકરી વનીજા રૂપાણીને એ હેલિકોપ્ટરનું નામ રાખવાનું સન્માન મળ્યું હતું.નાસા આગામી જુલાઈમાં એક માર્સ મિશન લોંચ કરશે. એ મિશન અંતર્ગત એક રોવર અને હેલિકોપ્ટર રોવરને નાસા મંગળ ઉપર મોકલશે. રોવર મંગળ પરથી સેમ્પલ એકઠાં કરશે, જ્યારે હેલિકોપ્ટર ઉપર ઉડીને ભૌગોલિક સ્થિતિનો અંદાજ આપશે.એ હેલિકોપ્ટરનું નામ રાખવા માટે નાસાએ નેમ ધ રોવર નામની એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં ૨૮,૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને નિબંધ લખીને નાસાને મોકલ્યો હતો. એમાંથી વનીજા રૂપાણી નામની હાઈસ્કૂલમાં ભણતી છોકરીના નિબંધને નાસાએ પસંદ કર્યો હતો. તેણે હેલિકોપ્ટરનું નામ ‘ઈન્જીન્યૂટી’ સૂચવ્યું હતું, જે નાસાએ માર્સ હેલિકોપ્ટર માટે પસંદ કર્યું હતું.નાસાએ સત્તાવાર ટ્વીટર એકાઉન્ટમાંથી માર્સ હેલિકોપ્ટરનું ચિત્ર, વનીજાએ પસંદ કરેલું નામ અને વનીજાનો ફોટો ટ્વીટ કર્યો હતો.ઈન્જીન્યૂટીનો અર્થ થાય છે – કૌશલ્ય, ચતુરાઈ કે કલ્પનાશીલતા. સ્ટૂડન્ટ વનીજાએ નિબંધમાં લખ્યું હતું કે લોકોની બુદ્ધિક્ષમતા અને ઈન્જીન્યૂટી યાને કલ્પનાશીલતા માણસને અન્ય ગ્રહમાં જવાની પ્રેરણા આપે છે.વનીજા અલબામાની સ્કૂલમાં સ્ટડી કરે છે. અલબામાના સેનેટર રીચર્ડ શેલ્બીએ પણ ટ્વીટરમાં વનીજાને અભિનંદન પાઠવ્યા હતા.