પેરામિલિટ્રી ફોર્સમાં કોરોનાનો કહેર, અત્યાર સુધી 750 સુરક્ષા કર્મી સંક્રમિત

ચીનના વુહાન શહેરમાંથી સમગ્ર દુનિયામાં ફેલાયેલો કોરોના વાઈરસનો કહેર વ્યાપી ગયો છે. મોદી સરકારે કોરોના વાઈરસને ફેલાવવાથી રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન કરી દીધુ છે. કોરોના વાઈરસમાંથી ઉકેલ મેળવવા માટે સેના અને ડોક્ટર દિવસ-રાત કામ કરી રહ્યા છે. તેમ છતાં કોરોના વાઈરસ રોકાઈ રહ્યો નથી.આ ઘાતક વાઈરસની ચપેટમાં સેના પણ આવી રહી છે. અત્યાર સુધી પેરામિલિટ્રી ફોર્સમાં 750 કોરોના વાઈરસના પોઝિટિવ કેસ આવી ચૂક્યા છે. સીઆરપીએફમાં અત્યાર સુધી કુલ 236 સેનાના કર્મી કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે જ્યારે બીએસએફમાં કોરોનાની ચપેટમાં આવનારા સુરક્ષા કર્મીઓની સંખ્યા 276 સુધી પહોંચી ગઈ છે.આઈટીબીપીમાં કોરોના વાઈરસના 156 કેસ, સીઆઈએસએફમાં 64 કેસ અને એસએસબીમાં કુલ 18 કોરોના વાઈરસના કેસ સામે આવી ચૂક્યા છે. ગત 24 કલાકમાં બીએસએફમાં કોરોના વાઈરસના 18 નવા કેસ સામે આવ્યા જ્યારે આઈટીબીપીમાં 24 કલાકમાં 56 કોરોના પોઝિટિવ નોંધાયા. આ પ્રકારે છેલ્લા 24 કલાકમાં સીઆઈએસએફમાં કોરોના વાઈરસના 18 નવા કેસ જોવા મળ્યા.છેલ્લા 24 કલાકમાં સીઆરપીએફમાં કોરોનાનો માત્ર એક કેસ નોંધાયો છે. આ સીઆરપીએફ માટે રાહતના સમાચાર છે. સમગ્ર ભારતમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધીને 62 હજાર 938 થી વધારે થઈ ચૂકી છે જેમાંથી 2, 109 લોકોના મોત નીપજ્યા છે. આ સિવાય 19,357 થી વધારે લોકો સારવારથી સાજા થઈ ચૂક્યા છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.