દેશમાં કોરોના વાઈરસના વધતા કેર વચ્ચે સૂરજનો પ્રકોપ પણ સતત વધી રહ્યો છે. દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં લૂ લાગવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. દિલ્હીમાં પારો ૪૬ ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયો છે. શનિવારે રાજસ્થાનના ચુરુ અને શ્રીગંગાનગર સૌથી વધુ તપી રહ્યા છે, જ્યાં પારો ૪૭ ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. દિલ્હીમાં શનિવારે સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ નોંધાયો હતો. ગરમી એટલી તીવ્ર હતી કે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરવાની ફરજ પડી હતી.હવામાન વ ભિાગના ઉત્તર-પશ્ચિમ હવામાન વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું કે દિલ્હીમાં ગરમ હવા ચાલવાથી પાલમ અને લોધી રોડ વિસ્તારમાં તીવ્ર ગરમી અનુભવાઈ હતી. અહીં મહત્તમ તાપમાન ક્રમશઃ ૪૫.૪ અને ૪૪.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. આગામી સપ્તાહમાં પણ અહીં મહત્તમ તાપમાન ૪૩-૪૫ ડિગ્રી વચ્ચે રહી શકે છે.મે મહિનાના ચોથા સપ્તાહમાં ભારતના અનેક ભાગમાં ચોમાસા પહેલાંનો વરસાદ થયો છે. આથી હજી સુધી લૂ લાગવાની શરૂઆત થઈ નહોતી. પરંતુ હવે પારો વધવાની સાથે જ લૂનો પ્રકોપ પણ શરૂ થઈ ગયો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં તાપમાન ઘણું વધી ગયું છે. રાજસ્થાનના ૩ શહેરોમાં પારો ૪૬ ડિગ્રીને પાર થઈ ગયો છે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પણ મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રીને પાર થઈ ગયો છે.છેલ્લા ૨૪ કલાકમાં દેશના ૧૦ શહેરો હીટવેવની ઝપેટમાં આવી ગયા હતા. આ શહેરોમાં પાંચ એકલા રાજસ્થાનના જ છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના બે-બે શહેર અને ઉત્તર પ્રદેશના એક શહેરનો સમાવેશ થાય છે. બીજીબાજુ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ભારત ખાસ કરીને રાજસ્થાનમાં ગરમીથી રાહતની કોઈ આશા નથી. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં તીવ્ર લૂનો પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાને આગામી ૨૪ કલાકમાં જબરજસ્ત લૂનો સામનો કરવો પડશે. સાથે જ ઉત્તરી ઉત્તર પ્રદેશમાં પણ ગરમ હવાઓ આવશે. આગામી સપ્તાહે અનેક જગ્યાઓ પર પારો ૪૮થી ૪૯ ડિગ્રી સેલ્સિયસ પહોંચવાનો અંદાજ છે.રાજસ્થાનમાં આ વખતે ગરમી મોડા આવી છે, પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ૮ દિવસમાં ગરમીનો પ્રકોપ વધશે. સામાન્ય રીતે રાજસ્થાનમાં એપ્રિલમાં ભીષણ ગરમી પડવાનું શરૂ થઈ જાય છે. પરંતુ આ વખતે મે મહિનામાં પણ ગરમી મોડા શરૂ થઈ છે. રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર રહ્યું છે. પશ્ચિમ રાજસ્થાનમાં તાપમાન ૪૪ ડિગ્રીથી વધુ રહ્યું છે.હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ વેધરના ઉપાધ્યક્ષ મહેશ પલાવતે કહ્યું કે ૨૭ મે સુધી દેશમાં શુષ્ક અને ગરમ હવાઓ ચાલશે. મે મહિનામાં જ નહીં, પરંતુ જૂનમાં પણ દેશના અનેક ભાગમાં ગરમીની અસર વધી શકે છે. આગામી ૨૪ કલાક દરમિયાન રાજસ્થાનના અનેક વિસ્તારોમાં લૂનો પ્રકોપ ચાલુ રહી શકે છે. દિલ્હી, હરિયાણા, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને તમિલનાડુના પણ અનેક ભાગોમાં કાળઝાળ ગરમીની આશંકા છે. આ સિવાય તેલંગાણા, આંધ્રપ્રદેશ, વિદર્ભ, મરાઠાવાડ, ઉત્તરીય મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના અનેક ભાગોમાં લૂનો પ્રકોપ ચાલુ રહેશે.ઉત્તર ભારતમાં હરિયાણા અને પંજાબમાં પણ કાળઝાળ ગરમીની અસર જોવા મળી હતી. હરિયાણાના હિસ્સારમાં સૌથી વધુ ૪૬.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ હતું. અહીં સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ તાપમાન અનુભવાયું હતું. ઉત્તર પ્રદેશના ઝાંસી અને આગ્રામાં ૪૬ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું હતું.એકબાજુ ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે ત્યારે જમ્મુમાં વરસાદના પગલે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જમ્મુમાં સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયા પછી શનિવારે વરસાદ પડયો હતો. જેથી શહેરીજનોને ગરીથી રાહત મળી હતી તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.