કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ કોઝિકોડ જિલ્લામાં 5.9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. કોઝિકોડ સહિતના દસ જિલ્લામાં વરસાદ માટે રેડ અને ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં આવતીકાલે પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદ પછી ભારતીય હવામાન વિભાગે સત્તાવાર રીતે ભારતમાં સાઉથવેસ્ટ મોન્સૂનના આગમનની જાહેરાત કરી હતી. કેરળ ઉપરાંત મુંબઈમાં પણ આજે હળવો વરસાદ પડયો હતો.સામાન્ય રીતે 1લી જૂને શરૂ થતું આ ચોમાસું થોડું-ઘણું વહેલા મોડું થતું હોય છે. 2013 પછી પહેલી વાર આ વર્ષે ચોમાસુ નિર્ધારિત તારીખે શરૂ થયું હતું. જોકે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે બે દિવસ પહેલા જ કેરળમાં ચોમાસુ બેસી ગયાની જાહેરાત કરી હતી.હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે લક્ષદ્વિપ અને કેરળમાં ચોમાસુ સક્રિય થયું છે અને હવે અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. કોઝિકોડના જ વિવિધ વિસ્તારમાં 1થી મૉંડીને 6 ઈંચ સુધી વર્ષા નોંધાઈ હતી. કેરળના પાટનગર તિરૂવનંથપુરમમાં પણ સોમવારે ભારે વરસાદ થતાં રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા. ભારતનું આ ચોમાસુ સાઉથવેસ્ટ મોન્સુન તરીકે ઓળખાય છે. હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. અરબ સાગરમાં સક્રિય વાવાઝોડાને કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, તો વીજળીના કડાકા પણ જોવા મળશે. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો, જ્યારે ગોવામાં મંગળવારે વરસાદ પડવાની શક્યતા છે. ધારાવીમાં દોઢેક ઈંચ વરસાદ વરસ્યો હતો. વાવાઝોડુ આગળ વધીને 3જી તારીખ સુધીમાં ગુજરાત-મહારાષ્ટ્રના કાંઠે ત્રાટકે એવી શક્યતા છે.