કચ્છમાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા, અંજાર અને રાપરમાં ૦ાા ઈંચ

કચ્છમાં છેલ્લા ચારેક દિવસોથી મેઘરાજા વરસી રહ્યા છે. માંડવી, મુંદ્રા, નખત્રાણા, ભુજ વિસ્તારના ગામોમાં તેમજ અંજાર અને રાપરમાં ઝાપટારૂપી અડધા ઈંચ જેવો વરસાદ પડયો છે. આદિપુરમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. ઉકળાટથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. જોકે બપોરના સમયે ભારે ગરમી અનુભવાય છે. વરસાદે વિરામ લેતા ખેડૂતોએ વાવણી કાર્યનો પ્રારંભ કર્યો છે.માંડવી-મુંદરા વિસ્તારના ગામોમાં સવારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. સવારે ૯ વાગ્યાની આસપાસ માંડવીના બાગ, કોડાય પુલ, પિયાવા વિસ્તારમાં ઝાપટું વરસ્યું હતું. બિદડા, ભુજપુર, ખાખર, તેમજ મુંદરા તાલુકાના કપાયા, મોખા સહિતના વિસ્તારોમાં બપોરે ઝાપટું વરસ્યું હતું. ભુજ તાલુકાના કોટડા-ચકાર, વરલી, થરાવડા અને જાંબુડીમાં વરસાદ થયો હતો. નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) મધ્યે બપોરના ૪ વાગ્યાની આસપાસ વીસ મિનિટ થી પણ વધારે સમય સુધી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગામની શેરીઓમાંથી પાણી વહી નિકળ્યા હતા. નજીકના વેજપાસર ગામે અમી છાંટણા થયા હતા.અંજારમાં ગઈકાલે દિવસભર બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજે વધુ અડધા ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે. વરસાદી માહોલ યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના લીધે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આદિપુરમાં બપોર બાદ એક ઝાંપટુ વરસી ગયું હતું. રાપરમાં છેલ્લા પાંચ દિવસથી નિસર્ગ વાવાઝોડા બાદ દિવસભર ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે સાંજે મેઘરાજાનું આગમન થયું હતું. સાંજના ૬ વાગ્યે વરસાદના ઝાપટા શરૂ થયા હતા. જે અંદાજે વીસ મિનિટ સુધી ચાલુ રહેતા અંદાજે અડધાથી પોણો ઈંચ વરસાદ પડતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. રાપર ઉપરાંત નંદાસર, કલ્યાપર, કારૂડા, પ્રાગપર સહિતના આજુબાજુના ગામોમાં વરસાદ ઝાપટા પડયા હતા. વરસાદના ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી છે. છેલ્લા ચારેક દિવસથી પડી રહેલા વરસાદથી ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કર્યું છે. વરસાદના ઝાપટા વરસતા તે ફાયદાકારક રહેશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.