સૂરજપર નજીક વાહન અડફેટે મગરના જીવનનો ‘સૂરજ’ અસ્ત

ભુજ તાલુકાના સૂરજપરથી બે કિલોમીટર દૂર બુધવારે વાહન અડફેટે કચડાઈ જતા મગરનું મોત નીપજ્યું હતું. સૂરજપર-નારણપર માર્ગ પર વહેલી સવારે આ ઘટના બની હતી.વાડી વિસ્તારમાં આ મગરની ચહલ-પહલ બાદ ભારે વાહન અડફેટે કચડાઈ ગયો હોવાનું સ્થાનિકેથી જાણવા મળ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે,વરસાદ થયો હોતા મગર ઘણી વખત જળાશય તરફ સ્થાળાંતર કરતા હોય છે,તે દરમ્યાન આ દુઃખદ ઘટના બની હતી.પશ્ચિમ કચ્છ ડીસીએફ ડો.તુષાર પટેલ દ્વારા આ અંગે તપાસના આદેશ અપાયા હતા.ભારાપર-નારણપર માર્ગ પર મગર દેખાયાનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો,જેના અનુસંધાને વનવિભાગના સ્ટાફ દ્વારા સ્થળતપાસ પણ કરાઈ હતી. જો કે સ્થળ પર મગર મળી આવ્યો ન હતો. આ અંગે આરએફઓ વિપુલ ચૌધરીએ જણાવ્યું કે,અમારી ટીમ તપાસ કરવા ગઈ હતી,પણ તે વિસ્તારમાં મગર જોવા મળ્યો ન હતો.