દેવભાષા સંસ્કૃતના જતન, સંવર્ધન અને પ્રચાર-પ્રસારના હેતુથી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ‘સંસ્કૃત કક્ષ’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

કચ્છ યુવક સંઘ સંચાલિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન માતુશ્રી કેશરબેન કાનજી શામજી વિદ્યાસંકુલ અંતર્ગત નિર્મળાબેન રવજી છેડા પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા-બિદડા ખાતે દેવભાષા સંસ્કૃતના જતન, સંવર્ધન અને પ્રચાર-પ્રસારના હેતુથી ‘સંસ્કૃત કક્ષ’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. મુખ્ય અતિથિ ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલજીના હસ્તે ‘સંસ્કૃત કક્ષ’ને ખુ્લ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ડૉ. પંકજભાઈ શાહ, કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યાલયમાંથી શ્રી જી. જી. નાકર તથા શ્રી જીગર દવે, વિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી શિવમભાઈ રાજગોર, બી.બી.એમ. હાઇસ્કૂલના પ્રધાનાચાર્ય શ્રી રાજેશભાઈ સોરઠીયા, શિશુ વાટિકાના પ્રધાનાચાર્ય શ્રી હિનાબેન ગોર તેમજ ભારત વિકાસ પરિષદમાંથી શ્રી મેહુલભાઈ ગોર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિવ્ય દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્ય અતિથિ ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલજી દ્વારા વિધિવત્ રીતે ‘સંસ્કૃત કક્ષ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘અષ્ટાદશ શ્લોકી ગીતા’નું શુદ્ધ, લયબદ્ધ અને મધુર સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. ગીતાજીના શ્લોકોના દિવ્ય ગુંજારવથી સમગ્ર પરિસરમાં એક અદ્ભુત ઊર્જાસભર વાતાવરણ ઊભું થયું હતું, જેણે સૌને ભાવવિભોર કરી દીધા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી હિમાંજય પાલીવાલજીએ સંસ્કૃત ભાષામાં સંભાષણ કરીને ઉપસ્થિત સૌને મંત્રોગ્ધ કર્યા હતા અને સંસ્કૃત ભાષા તથા ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાની વાલી સમિતિ, ગ્રામજનો, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સંસ્કૃતકક્ષ સંયોજક શ્રી વિરાભાઈ કાગે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શાળાના આચાર્ય દીદી ગુરૂજીએ જહેતમ ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.