ભુજોડી પુલનું કામ પેટામાં રાખનારા ઠેકેદાર પર સુપરવાઇઝરએ હુમલો કર્યો

ભુજ-ભચાઉ વાયા દુધઇ માર્ગ નવીનીકરણ અને ભુજોડી ઓવરબ્રિજનું કામ રાખનારી અંધેરી (મુંબઇ) સ્થિત વાલેચા એન્જિનીયરિંગ લિમિટેડ કંપનીના સ્થાનિકના સાઇટ સુપરવાઇઝર ચન્દ્રશેખર દ્વારા તેમની પાસે કામ રાખનારા આદિપુરના નિશાંત કન્સ્ટ્રકશન કંપનીના સંચાલક દિનેશ મોહનલાલ સોની (ઉ.વ.50) ઉપર ધોકા વડે હુમલો કરાયો હોવાનો મામલો બહાર આવ્યો છે. તાલુકામાં વર્ધમાનનગર (ભુજોડી) ખાતે કચેરી ધરાવતા દિનેશભાઇ સોની અને તેમનો ડ્રાઇવર દિલીપભાઇ ગત તા. 11મી જૂને કચેરીએ જતી વેળાએ રસ્તામાં સુપરવાઇઝર ચન્દ્રશેખરનું ઘર આવતું હોવાથી ત્યાં બાકી નીકળતા પેમેન્ટ અને સાઇટ ઉપર પડેલી સામગ્રીની ચર્ચા માટે ગયા હતા ત્યારે’ હુમલાની આ ઘટના બની હતી, તેમ આજે નોંધાવાયેલી પોલીસ ફરિયાદમાં લખાવાયું છે. અટવાઇ પડેલા ભુજોડી ઓવરબ્રિજ કામ માટે લોકો અને સરકારના વ્યાપક દબાણ અને પેટા કંપનીઓની અટવાયેલી મોટી રકમના માહોલ વચ્ચે હુમલાની આ ઘટના બની હતી. ભુજ બી- ડિવિઝન પોલીસે કેસની તપાસ હાથ ધરી છે. જેમના ઉપર હુમલો થયેલો છે તે ઠેકેદારની કંપનીના વાલેચા કંપની પાસેથી રૂા. સાત કરોડ લેવાના નીકળે છે અને વાલેચા કંપની દ્વારા આ કંપનીને ટર્મિનેટ કરી નખાઇ છે. તેવી વિગતો ફરિયાદમાં લખાવાઇ છે