કચ્છમાં કોરોનાને મ્હાત આપનાર 5 દર્દીઓને રજા આપવામાં આવી

ભુજઃ સરહદી કચ્છ જિલ્લામાં પણ કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. સામે કોરોનાને પરાસ્ત કરનાર દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ રહી છે. ત્યારે આજે કુલ 5 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હતી. અને અત્યાર સુધી કુલ 110 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે આદિપુરની હરિઓમ હોસ્પિટલમાંથી 3 અને મુંદરાના એલાયન્સ હોસ્પિટલમાંથી 2 મળીને કુલ 5 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હતી. જેમાં મેઘપર બોરીચીના 36 વર્ષિય લોકેશ જયકિશન લાલચંદાણી, ગાંધીધામના અંતરજાળના 32 વર્ષિય મિલન અરવિંદ પુરોહીત, રાપરના જતાવાડાના ભરતસિંહ મેરૂભા જાડેજા તેમજ સુરતના માતા-પુત્ર હર્ષાબેન પ્રતાપભાઈ ઠક્કર અને ધવલ પ્રતાપભાઈ ઠક્કરને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.