ભુજનો કૃષ્ણાજી પુુલ જર્જરીત હાલતમાં: અકસ્માતનો ભય

ભુજ : શહેરના હમીરસર તળાવની આવ પર નિર્મિત કૃષ્ણાજી પુલ અત્યંત જર્જરીત બન્યો હોઈ પાલિકાના પાપે અકસ્માત  ભયનો માહોલ છવાઈ રહ્યો છે . શહેરના જાગૃત નાગરિકો તેમજ અન્ય આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ પણ ફેલાયો છે. પાલિકાના વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, ૧૯૭૧માં કૃષ્ણાજી પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પુલને ૪૯ વર્ષ પુર્ણ થઈ ચુકયા હોઈ હવે તે અત્યંત જર્જરીત બની ગયો છે. નગરપાલિકાના સત્તાધિશનું અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હમીરસરને કાંકરિયા બનાવવાની થયેલી વાતો વચ્ચે કૃષ્ણાજી પુલના કાંકરાઓ પણ હવે ખરતા જઈ રહ્યા છે. કૃષ્ણાજી પુલનું નવનિર્માણ કરવાના બદલે સ્વામિનારાયણ મંદિર દ્વારા નિર્મિત પુલની બાજુમાં જ પાલિકાએ બીજો પુલ બનાવીને ભ્રષ્ટાચારનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ૩પ વર્ષથી ભુજ નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં શહેરની પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે.