કચ્છની ચર્મકલાના જાણીતા કસબી શિલ્પગુરૂ એવોર્ડ વિજેતા ભસર ભુરાનું દુઃખદ નિધન

કચ્છી ચર્મકલાના જાણીતા કસબી ભસર ભુરાનું આજે દુઃખદ નિધન થયું છે. ભુજના ધોરડો (સફેદરણ) પાસે આવેલ હોડકા ગામના રહેવાસી ભસર ભૂરાએ પોતાની ચર્મકલાના માધ્યમથી બન્ની વિસ્તારને દેશ વિદેશમાં જાણીતું કર્યું હતું, ખાસ કરીને ચપ્પલ, મોજડી, પર્સ ઉપર કચ્છી ભરતકલાનું સંયોજન કરીને તેમણે કચ્છની હસ્તકલા માટે એક નવું બજાર ઉભું કર્યું હતું, દેશમાં હસ્તકલાના કસબીઓ માટે અતિ પ્રતિષ્ઠિત એવા ‘શિલ્પગુરૂ’ એવોર્ડના વિજેતા ભસર ભૂરાએ અનેક હસ્તકલાક્ષેત્રે રાજય અને રાષ્ટ્રીય કક્ષાના અનેક એવોર્ડ મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું હતું. તેઓ જાપાન, સિંગાપોર અને બે વખત જર્મની ચર્મકલાના પ્રદર્શન માટે ગયા હતા. તેમના દુઃખદ નિધનથી કચ્છને હસ્તકલા ક્ષેત્રે કદીયે ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.