કોરોનાથી પણ વધુ ઘાતક અજ્ઞાત ન્યુમોનીયા સામે ચીનની ચેતવણી જાહેર

કઝાખસ્તાનની ચાઈનીઝ એલચી કચેરીએ મધ્ય એશિયાના દેશમાં ફરી વધેલા અજાણ્યા ન્યુમોનીયા સામે ચેતવણી જાહેર કરી છે. જૂન મહિનામાં કઝાખસ્તાનમાં ન્યુમોનીયાથી 600 લોકો માર્યા ગયા છે. સોવિયેત સંઘના પુર્વ રાજયમાં રહેતા નાગરિકોને જારી કરેલી એડવાઈઝરીમાં ચાઈનીઝ દૂતાવાસે જણાવ્યું છે કે નવી બીમારીનો મૃત્યુદર કોવિડ 19 કરતાં ઘણો વધુ છે. કઝાખસ્તાનની ઉતર પશ્ચિમ ચીનના શિનજિયાંગ ઉઈગર ઓટોનોમ્સ રિજન માટે સરહદો છે. દૂતાવાસે તેના વીચેટ પ્લેટફોર્મ પર એક નિવેદનમાં જણાવાયું છે કે કઝાખસ્તાનમાં અજ્ઞાત ન્યુમોનીયાથી ચાલુ વર્ષના પ્રથમ 6 માસમાં 1772 લોકોના મોત થયા છ. એમાં એકલા જૂનમાં 628ના મોત થયા છે, અને એમાં ચીની નાગરિકો પણ સામેલ છે. નિવેદનમાં જણાવાયું છે કે બીમારીનો ફેટાલીટી રેટ કોવિડ 19 કરતાં ઘણો વધુ છે. એ તત્કાળ જાણી શકાયું નથી કે ચીનના અધિકારીઓ પાસે આ ન્યુમોનીયા વિષે અથવા એને અજ્ઞાત કહેવા માટે ખાસ કારણો છે. કઝાખ મીડીયાએ બીમારીને માત્ર ન્યુમોનીયા ગણાવી છે. કઝાખસ્તાનની એમ્બેસી અહીં રહેતા ચીની નાગરિકોને સ્થિતિથી સાવચેત રહેવા અને ઈન્ફેકશનનું જોખમ ઓછું કરવા પગલાં લેવા યાદ અપાવે છે. ચાઈનીઝ સરકારી મીડીયાના અહેવાલો મુજબ કઝાખસ્તાનના આરોગ્ય પ્રધાને જણાવ્યું છે કે ન્યુમોનીયાથી બીમાર પડેલા લોકોની સંખ્યા કોરોનાના દર્દીઓ કરતાં બે-ત્રણ ગણી વધુ છે. કોવિડ 19 ફેલાતો અટકાવવા કઝાખસ્તાને 16 માર્ચે લોકડાઉનનો અમલ કર્યો હતો. તેમાં નિયંત્રણો હટાવી લેવાયા હતા, પણ કેસો વધતાં ફરી લાવવામાં આવ્યા હતા.પ્રમુખ કાસિમ જોમાર્ત તોકાયેવએ જણાવ્યું હતું કે દેશ કોરોનાના બીજા દોરનો સામનો કરી રહ્યો છે.બુધવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રમુખે જણાવ્યું હતું કે બીજા કોરોના વાયરસના મોજા સાથે ન્યુમોનીયાના કેસોમાં પણ વધારો થયો છે. હોંગકોંગના સાઉથ ચાઈના મોર્નીંગ પોસ્ટ નામના અખબારે પ્રમુખને ટાંકી આ અહેવાલ આપ્યો હતો.પાટનગર નૂર સુલ્તાનમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ન્યુમોનીયાનું નિદાન થયેલા 300 દર્દીઓને દરરોજ હોસ્પીટલમાં દાખલ કરાઈ રહ્યા છે. તેલ અને મેટલ સમૃદ્ધ કઝાખસ્તાનમાં ચીનનું મોટું રોકાણ છે અને નિકાસ માટેનું પણ એક બજાર છે.