યોગ્ય મરામતના અભાવે તાળા લગાવવાની પરિસ્થિતિ આવતા લોકોને હાલાકી

દાંતીવાડા તાલુકામાં આવેલુ પાંથાવાડામાં વર્ષ ૨૦૧૫-૧૬ માં આદર્શ ગ્રામ યોજના અંતર્ગત જિલ્લા આયોજન મંડળ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ગ્રામજનો માટે ત્રણ પે એન્ડ યુઝ શૌચાલય બનાવવામાં આવ્યા હતા. પરંતુ આજની પરિસ્થિતિમાં હાઈવે પર આવેલ પે એન્ડ યુઝ શૌચાલય ગંદકીથી ખદબદી રહ્યું છે અને તાળા લગાવેલા નજરે જોવા મળે છે. જયારે મેઇન બજારમાં આવેલ શૌચાલય બંધ હાલતમાં છે અને સ્મશાન ગૃહ પાસે આવેલ શૌચાલયમાં ફક્ત પેશાબ ઘર ચાલુ છે તે પણ ગંદકીથી ઉભરાઈ રહ્યું છે. બનાસકાઠા જિલ્લામાં આવેલ પાંથાવાડા દાંતીવાડા તાલુકાનુ મુખ્ય વેપારી મથક છે. આજુબાજુના ગામમાંથી આવતા વ્યક્તિઓને તેમજ મહિલાઓને શૌચાલયની અસુવિધાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ હાઇવે પર આવતા જતા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ છે આદર્શ ગામની સ્થિતી. આ ગામ પાંથાવાડા હરિભાઇ ચૌધરીએ દત્તક લીધું હતું દત્તક લીધા પછી ગામનો કોઈ વિકાસ જોવા મળતો ન હોવાનો પણ લોકોમાં ગણગણાટ છે.