માસ્ક બાબતે પ્રસુતાનાં પરિવારને રોકયા, શિશુનું મૃત્યુ થયું

રાજયમાં કોરોના મહામારીનાં કહેરને રોકવા માસ્ક પહેરવુ ફરજીયાત કરવામાં આવ્યુ છે અને કોરોનાથી બચવા માસ્ક પહેરવુ જરૂરી પણ છે. પણ આ નિયમનુ પાલન કરાવવામાં પોલીસ કયારેક અતિરેક કરતી હોય છે.આવા અનેક બનાવો નોંધાયા છે.પરંતુ અંબાજીમાં જે ઘટના બની છે. તેમાં તો પોલીસે માનવતાની તમામ સીમાઓ વટાવી દીધી હતી જે મુજબ એક સગર્ભાએ માસ્ક ન પહેર્યુ હોય તેને રોકતા તેના કારણે તેને મૃત બાળક જુમ્યુ હતુ.

આ અંગેની વિગત એવી છે કે રાધાબેન પીરાજી રબારીને પ્રસવની પીડા ઉપડતા પરિવારજનો રવિવારે રાત્રે ગાડીમાં અંબાજી જનરલ હોસ્પીટલમાં લઈ જતા હતા ત્યાંથી તેમને પાલનપુર મોકલાયા હતા. રસ્તામાં અંબાજી ડી.કે.સર્કલ પાસે પોલીસ કર્મચારી જયેશભાઈ અને ભરતભાઈએ માસ્ક કેમ પહેરેલ નથી તેમ કહીને અંબાજી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા પ્રસુતા સાથે હોવા છતાં બિનજરૂરી પ્રશ્ન પૂછીને રોકી રાખ્યા હતા. બાદમાં તેમને છોડી મૂકવામાં આવતા પ્રસુતાને પાલનપુર સીવીલ હોસ્પીટલમાં લઈ ગયા હતા જયાં પ્રસુતાની ગંભીર હાલત જણાતા ડોકટરે પાટણ-ધારપુર મેડીકલ કોલેજ હોસ્પીટલમાં મોક્લ્યા હતા જયાં શિશુનું ગર્ભમાં જ મોત થયાનું જણાતા સીઝેરીયન કર્યુ હતું. પ્રસુતાનાં પરિવારજનો પોલીસ કર્મચારીઓ સામે ફરીયાદ નોંધાવવા ફરી અંબાજી પોલીસ સ્ટેશને આવ્યા હતા. જોકે પોલીસે સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા.