UGCનો નિર્ણય બરકરાર, 30 સપ્ટેમ્બર સુધીમાં ફાઇનલ યરની પરીક્ષાનું આયોજન

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યોએ સ્ટુડન્ટ્સને પ્રમોટ કરવા માટે પરીક્ષા આયોજિત કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ રાજ્યોમાં મહામારીને જોતાં પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી શકે છે અને તારીખ નક્કી કરવા માટે યુજીસીની સલાહ લેવામાં આવી શકે છે.


સુપ્રીમ કોર્ટ એ યૂજીસી (UGC)ના નિર્ણયને બરકરાર રાખતાં કહ્યું છે કે અંતિમ વર્ષની પરીક્ષાઓ 30 સપ્ટેમ્બર સુધી યોજવામાં આવે. કોર્ટે કહ્યું કે, રાજ્ય અંતિમ વર્ષની પરીક્ષાઓ વગર સ્ટુડન્ટ્સને પ્રમોટ ન કરી શકે. આદિત્ય ઠાકરેની યુવા સેના સહિત અનેક અરજીઓમાં કોરોના વાયરસ સંકટની વચ્ચે પરીક્ષાઓ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીઓમાં સ્ટુડન્ટ્સની સામે આવનારા પડકારોનો હવાલો આપતાં કહેવામાં આવ્યું છે કે તમામ શૈક્ષણિક સંસ્થા વાયરસના સંકટના કારણે બંધ છે, માંગ કરવામાં આવી હતી કે તેના કારણે પરીક્ષા રદ કરી દેવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, જે રાજ્ય 30 સપ્ટેમ્બર સુધી અંતિમ વર્ષની પરીક્ષા યોજવા ઈચ્છુક નથી, તેમણે યુજીસીને તેની જાણકારી આપવી પડશે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેન્ચે પોતાનો ચુકાદો સંભળાવ્યો જેને 18 ઓગસ્ટે આ વિષય પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.
અરજીમાં તર્ક આપવામાં આવ્યો હતો કે સ્ટુડન્ટ્સે પાંચ સેમેસ્ટર પૂરા કર્યા છે અને તેમના ક્યૂમીલેટીવ ગ્રેડ CGPAના આધાર પર ફાઇનલ યરનું પરિણામ જાહેર કરી શકાય છે. યુજીસીએ સપ્ટેમ્બરના અંત સુધી પરીક્ષાઓ આયોજિત કરવાનો આદેશ આપ્યો હતો. યુજીસીએ તર્ક આપ્યો હતો કે પરીક્ષા સ્ટુડન્ટ્સના શૈક્ષણિક ભવિષ્યની રક્ષા કરવા માટે યોજવામાં આવી રહી છે અને પરીક્ષાઓ વગર ડિગ્રી ન આપી શકાય.