ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એક્શન મોડમાં , કમલમ પોસ્ટમોર્ટમ દ્વારા નવી રણનીતિ ઘડશે

BJP હારેલા ઉમેદવારોની હારને જીતમાં ફેરવવા પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા એક અનોખુ પગલું ભરવામાં આવ્યું છે.  ગાંધીનગરમાં ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે 2 સપ્ટેમ્બરને બુધવારના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના હારેલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં પાટીલ ઉમેદવારોની હારનું કારણ જાણી  નવી રણનીતિ બનાવશે એવી માહિતી મળી રહી  છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પોતાને સાબિત કરવાની કોશિશમાં કમર કસી લીધી હોય એમ એક પછી એક્શન મોડમાં કામ કરી રહ્યા છે.પાટિલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં છેલ્લી 3 વિધાનસભા ચૂંટણી એટલે કે વર્ષ 2007, 2012 અને 2017માં હારેલા ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. જેમાં ભૂષણ ભટ્ટ, દિલીપ સંઘાણી, જગરૂપસિંહ રાજપૂત, શંકર ચૌધરી, આત્મારામ પરમાર, રમણલાલ વોરા સહિત 30 પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજાશે. આવું પ્રથમ વખત બન્યું છે કે કોઈ પ્રદેશ પ્રમુખે હારેલા ધારાસભ્યોની બેઠક યોજી હોય અને હારનું તારણ કાઢ્યું હોય.

સી.આર.પાટીલ એક પછી એક મંત્રીઓ, આગેવાનો અને કાર્યકરોની ખબર લઈ રહ્યા છે. ક્યાંક હોમવર્ક આપી રહ્યા છે તો કોઈને ફટકાર. એ જ રીતે હવે પૂર્વ ધારાસભ્યોને ટાર્ગેટ બનાવ્યા છે. કમલમના સૂત્રોએ જણાવ્યા અનુસાર પાટીલ આ ધારાસભ્યોને આગામી ચૂંટણી માટે હોમવર્ક આપે એવો અંદાજ સેવાઈ રહ્યો છે. કારકે આ તમામ એવા નેતાઓ છે જે ભાજપને સમર્પિત રહ્યા છે. હારેલા છે પરંતુ પોતાના વિસ્તારને બરાબર સમજતા નેતાઓ હોવાના કારણે પાટીલ બેઠકનું આયોજન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.