કંગનાની હાલાકીઓમાં વધારો થતો જોવા મળ્યો, મુંબઇ પોલીસે ડ્રગની કાર્યવાહી કરી શરૂ

(મુંબઇ) ટોચની અભિનેત્રી કંગના રનૌત અને મુંબઇ પોલીસ, BMC તથા રાજ્ય સરકાર વચ્ચેના વિવાદમાં સતત વધારો થઇ રહ્યો હતો. કંગનાની મુશ્કેલીઓમાં સતત વધારો નોંધાતો રહ્યો હતો. મુંબઇ પોલીસે કંગના સામે ડ્રગના વપરાશની તપાસ શરૂ કરી હતી. કંગનાને 14મી સપ્ટેંબરે શૂટિંગ માટે યૂરોપ જવાનું છે. એવા સંજોગોમાં મુંબઇ પોલીસ ધારે તો એને રોકી શકે છે અને કંગનાનું શૂટિંગ શિડ્યુલ ખોરવાઇ શકે છે.બીએમસીએ તોડફોડ કરેલી ઑફિસમાં બેસીને જ કંગના કામ કરવાની છે. એણે કહ્યું કે આટલી બધી તોડફોડ રિપેર કરાવવાના પૈસા મારી પાસે નથી. હું તૂટેલી ઑફિસમાં બેસીનેજ કામ કરીશ. મુંબઇ હાઇકોર્ટે આ કેસની તારીખ 22 સપ્ટેંબર જાહેર કરી હતી.

દરમિયાન, શિવસેનાના મુખપત્ર સામનામાં એવો આક્ષેપ કરાયો હતો કે કંગના અફીણની બંધાણી છે. એટલે મુંબઇ પોલીસે આ બાબતની તપાસ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. પોલીસ આ દિશામાં આગળ વધીને કોર્ટમાંથી એવો આદેશ લાવી શકે છે કે ડ્રગ કેસની તપાસ કરવાની હોવાથી કંગનાને વિદેશ જતી અટકાવવી.જો કે કંગનાએ પોતે કોઇ પ્રકારની ડ્રગ લેતી નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી. શિવસેનાના મુખપત્ર સામનામાં રોજ સવાર પડ્યે કંગના વિશે કોઇ નવી (પણ ઉપજાવી કાઢેલી) વાત પ્રગટ થઇ રહી હતી. કંગનાના વકીલે કહ્યું હતું કે સામનામાં પ્રગટ થયેલા અહેવાલો સામે પણ અમે કોર્ટમાં અરજી કરીશું અને સામનાને પાઠ શીખવાડીશું.