રાજકોટમાં કોરોનાનો કહેર : 2 જ દિવસમાં 67 લોકોના મોત


રાજકોટ: રાજકોટમાં હજુ પણ કોરોનાનો કહેર: ગઇકાલે 36 દર્દીના મોત બાદ આજે ફરી 24 કલાકમાં વધુ 31 દર્દીના જીવ ગયા છે. આમ બે દિવસમાં 67 લોકોના મૃત્યુ થતા લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું છે.
રવિવારે રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વિક્રમી 36 વ્યકિતના મૃત્યુ થયા હતા. બાદમાં આજે સોમવારે પૂરા થતા 24 કલાકમાં શહેરી વિસ્તારના 24, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 3 લોકોના કોવિડ તથા નોન કોવિડ મૃત્યુ જિલ્લા તંત્રએ જાહેર કર્યા છે. ગઇકાલે નોંધાયેલા 36 મોત પૈકી સત્તાવાર કોવિડ ડેથ કોર્પોરેશન વિસ્તારમાં માત્ર 1 તથા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 1 મળી બે જ હોવાનું જાહેર કરાયું છે.
રવિવારના 36 મૃત્યુમાં શહેરના 21 હતાં. તો આજના 31માં 24 શહેરના છે. આમ સારવાર દરમ્યાન બે દિવસમાં માત્ર રાજકોટ શહેરના જ 4પ દર્દીના જીવ નીકળી ગયા છે. ત્રણ દિવસમાં કુલ 92ના મોત થયા છે.
રાજકોટ શહેરમાં 84 અને ગ્રામ્યમાં 132 ક્નટેનમેન્ટ ઝોન જાહેર કરાયાનું જિલ્લા હેલ્થ બુલેટીનમાં જાહેર કરાયું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 715 બેડ હજુ ઉપલબ્ધ હોવાનું પણ તંત્રએ જણાવ્યું છે.
રાજયમાં હવે કોરોના સંક્રમણમાં રાજકોટ શહેર-જિલ્લો રીસ્ક ઝોન જેવો બની ગયો છે. ગઇકાલે પણ દોઢસો કેસ નોંધાયા હતા. મૃત્યુ આંકમાં જરા પણ ઘટાડો થતો ન હોય સૌથી મોટી ચિંતાનું કારણ એ જ છે. અનેક ખાનગી દવાખાનાઓમાં રૂપિયાની લૂંટ અને સિવિલમાં જીવ પર જોખમની છાપના કારણે ફફડતા લોકોની સલામતી માટે સરકાર તુરંત કંઇક કરે એ અનિવાર્ય બન્યું છે.