પશ્ચિમ બંગાળ: પોલીસ સ્ટેશન સામે જ ભાજપના નેતાની ગોળી મારીને હત્યા, ટીટાગઢમાં તણાવનો માહોલ

cb3b298a550c753c38cd0c65d37482426f718067fc5fc620f1cbd1da704572df

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં રવિવારે મોડી રાતે અજાણ્યા બદમાશોએ ભાજપના નેતા મનિષ શુક્લા ની ગોળી મારીને હત્યા કરી નાખી છે. શુક્લાની હત્યા જિલ્લાના ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે જ થઈ, ત્યારબાદ વિસ્તારમાં ખુબ તણાવનો માહોલ છે.

ઘટનાની ગંભીરતા જોતા મધરાતથી જ અહીં ભારે સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત છે. આ બાજુ ભાજપે આ મામલે રાજ્યના બરાકપોરમાં બંધનુ આહ્વવાન કર્યું છે. આ કેસની ગંભીરતા જોતા રાજ્યપાલ જયદીપ ઘનખડે કાયદો અને વ્યવસ્થા મુદ્દે વાત કરવા માટે પ્રદેશના ડીજીપી સહિત તમામ અધિકારીઓને આજે રાજભવન બોલાવ્યા છે.

કહેવાય છે કે વિસ્તારના કાઉન્સિલર મનિષ શુક્લા રવિવારે રાતે સાડા આઠ વાગે ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે બનેલા કાર્યાલયમાં બેઠા હતા. આ દરમિયાન બાઈક સવાર હુમલાખોરો ત્યાં પહોંચ્યા અને તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું.

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મનિષ શુક્લાને પહેલા બરાકપોરની બીએન બોસ હોસ્પિટલ ખસેડાયા હતા. બાદમાં હાલત ગંભીર જોતા તેમને એપોલો હોસ્પિટલ રીફર કરાયા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.

આ ઘટનામાં એક અન્ય યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાના વિરોધમાં પશ્ચિમ બંગાળ ભાજપે બરાકપોરમાં 12 કલાકના બંધનું આહ્વાન કર્યું છે.