“ગુજરાતના 225 તાલુકામાં ધોધમાર વરસાદ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ”
copy image

ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જનજીવન પ્રભાવિત થયું છે.
વાપીમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. અમરેલીના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઢેબી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ હતી. જેના કારણે ગઈકાલે રાત્રે 2:30 કલાકે ડેમના 6 દરવાજા 0.70 મીટર સુધી ખોલવા પડ્યા હતા. હાલ ડેમમાંથી 2 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અમરેલી, ફતેપુર, ચાપાથળ અને પ્રતાપપરા સહિતના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
સુરત શહેરમાં સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે શહેર જળબંબાકાર બન્યું છે. રેલવે સ્ટેશન, ગરનાળા સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનોના ટાયર ડૂબી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક વાહનો તો રસ્તામાં જ બંધ પડી ગયા હતા. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિકની સ્થિતિને કાબુમાં લેવા માટે પાંડેસરા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે દક્ષેશ્વર ચાર રસ્તાથી લઈને બ્રિજ સુધીના વિસ્તારોમાં વરસાદ વચ્ચે પણ ટ્રાફિક નિયમનની કામગીરી કરી હતી.
વરસાદની સ્થિતિને પગલે સુરત અને નવસારી જિલ્લાની શાળાઓ આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.