લીમખેડા તાલુકાના મોટીવાસવાણી માં ૪ ઈસમો દ્વારા બોલેરો ગાડી લઈ પસાર થઈ રહેલા ત્રણ વ્યક્તિઓ પર પથ્થર મારો કરી ગાડીના કાચ તોડી ઇજાઓ પહોચાડવામાં આવી

લીમખેડા તાલુકાના મોટીવાસવાણી ગામે ઘરે આવતાં ન હોવાની અદાવત રાખી ચાર જેટલા ઈસમોએ એકસંપ થઈ બોલેરો ગાડી લઈ પસાર થઈ રહેલા ત્રણ વ્યક્તિઓને આંતરી ગાડી પર પથ્થર મારો કરી ગાડીના કાચ તોડી ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.
મોટીવાસવાણી ગામે નીનામા ફળિયામાં રહેતા પ્રવેશ સબુરભાઈ નીનામા તથા જીતુભાઈ પ્રવિણભાઈ નિનામા તેમજ સાથે અન્ય વ્યક્તિઓ પોતાના કબજાની બોલેરો ગાડીમાં સવાર થઈ ગત તા.૨૨મી એપ્રિલના રોજ મોટીવાસવાણી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામે રહેતાં દિનેશભાઈ નારૂભાઈ ચારેલ, મેહુલભાઈ દિનેશભાઈ ચારેલ, શૈલેષભાઈ નારૂભાઈ ચારેલ તથા હરસીંગભાઈ લાલાભાઈ ચારેલ આ ચારેય જણા પોતાની સાથે પથ્થરો તેમજ લાકડીઓ લઈ રસ્તામાં ઉભા હતાં અને ગાડી ઘણા સમયથી આ લોકોને ત્યાં ન આવતાં હોવાના કારણે તે બાબતની અદાવત રાખી ગાડી ઉપર પથ્થર મારો કરી ગાડીના કાચ તોડી નાંખ્યા હતા અને લાકડી વડે પણ ગાડી પર હુમલો કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ બાદ ઉપરોક્ત ચારેય જણાએ પ્રવેશભાઈ, જીતુભાઈ, મહેશભાઈ વિગેરેને લાકડી વડે તેમજ છુટ્ટા પથ્થરો વડે માર મારી શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત પ્રવેશભાઈ સબુરભાઈ નીનામાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ.