કોવિડની મહામારીના કારણે ૦ થી ૧૮ વર્ષના કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોને બાળ સંભાળ ગૃહમાં કાળજી અને સંભાળ માટે રાખવામા આવશે

કોરોના મહામારીના કારણે બાળકોની સુરક્ષા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર હેઠળ નિયામકશ્રી સમાજ સુરક્ષા ખાતું ગાંધીનગર અને ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન સોસાયટી, ગાંધીનગર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે જે મુજબ કોરોના મહામારીમાં બાળકના સ્વાસ્થયના હિતને ધ્યાને લઈને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ મુજબ નોંધાયેલ બાળ સંભાળ સંસ્થાઓને જાહેર કરવામાં આવેલ છે. આ સંસ્થામાં જે બાળકોના માતા-પિતા બંને અથવા માતા-પિતા પૈકી કોઈપણનું અવસાન થયેલ હોય અથવા માતા-પિતા બંને કોરોના સંક્રમિત હોય અને હોસ્પીટલમાં કોરોનાની સારવાર મેળવી રહ્યા હોય તેવા બાળકોની સાર-સંભાળ લેવા માટે નજીકના કોઈ સગા સંબધી ન હોય તેવા બાળકોને જરૂરી તપાસ ચકાસણી કરાવીને બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી બોટાદની મંજૂરી મેળવીને જરૂરિયાત મુજબના દિવસો માટે પ્રવેશ આપવામાં આવશે.

                વધુમાં જણાવવાનું કે જે બાળકોના માતા-પિતા બંને મૃત્યુ પામેલ છે અને નજીકના સગા સંબધીઓ દ્વારા બાળકની સાર સંભાળ રાખવાવાળું હોય અને આવા બાળકો આંગણવાડી કે શાળામાં અભ્યાસ કરતાં હોય તો પાલક વાલી દ્વારા પાલક માતા-પિતા યોજનાની અરજી કરીને યોજનાકીય સહાય મેળવી શકાશે તેમજ જો બાળકને સાચવવાવાળું કોઈ વ્યક્તિ ના હોય તો આવા બાળકોને સાર સંભાળ માટે ચિલ્ડ્રન હોમમાં મુકી શકાશે.

           ભાવનગર ખાતે દીકરીઓ માટે ગર્લ્સ ચિલ્ડ્રન હોમ, તાપીબાઈ વિકાસ ગૃહ ભાવનગર તથા દીકરાઓ માટે બોયઝ સરકારી ચિલ્ડ્રન હોમ, ફૂલસર ભાવનગર ખાતે રાખવાની જોગવાઈ કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે ઉપરોક્ત જણાવ્યા મુજબના બાળકોને બાળ સંભાળ ગૃહમાં મૂકવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી બોટાદ અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ, બ્લોક નં. એ/એસ/૨૦, “એ” વિંગ, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ફોન નં. ૦૨૮૪૯-૨૭૧૩૨૨ ખાતે ટેલિફોનીક અથવા રૂબરૂ સંપર્ક કરવો અથવા બાળ કલ્યાણ સમિતિ બોટાદ ફોન નં. ૯૪૨૬૫૯૦૦૬૫ ઉપર સંપર્ક કરવા સભ્ય સચિવ જિલ્લા બાળ સુરક્ષા એકમ-વ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.