અસંગઠિત શ્રમયોગીઓને સામાજિક સુરક્ષા બક્ષતું યુ-વિન કાર્ડ, રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મળે છે લાભ

       શ્રમ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા બે દિવસમાં ૨૫૨ શ્રમિકોની નોંધણી, ટૂંક સમયમાં અન્નપૂર્ણા યોજના અંતર્ગત પોષ્ટિક ભોજન પણ સસ્તા દરે મળતું થશે. રાજય સરકાર દ્વારા અસંગઠિત શ્રમયોગીઓને સામાજિક સુરક્ષા બક્ષવાના હેતુથી તેમજ તેમને વિવિધ લાભ સરળતાથી મળી રહે તે માટે શ્રમ શક્તિ પહેચાન હેઠળ યુ-વિન કાર્ડ (અનઓર્ગેનાઇઝડ વર્કર આઇન્ડેટીફીકેશન નંબર) આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે દાહોદ જિલ્લા શ્રમ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા બે જ દિવસમાં ૨૫૨ અસંગઠિત શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે.અસંગઠિત શ્રમયોગીની નોંધણી માટે અસંગઠિત શ્રમયોગી સામાજિક સુરક્ષા અધિનિયમ ૨૦૦૮ની કલમ ૨ મુજબ ઘરેલુ શ્રમયોગી, સ્વરોજગાર મેળવતા શ્રમયોગી કે વેતન શ્રમયોગીનો સમાવેશ કરવામાં આવે છે. આ યુ-વીન કાર્ડની નોંધણી જિલ્લાના ૬૫૦ જેટલા કોમન સર્વિસ સેન્ટર ખાતેથી કરવામાં આવશે. દાહોદ જિલ્લા શ્રમ અધિકારી સુ શ્રી પ્રિયંકા બારીઆ જણાવે છે કે, ‘છેલ્લા બે જ દિવસમાં સ્ટ્રીટ વેન્ડર તરીકે કામ કરતા ૭૮ શ્રમિકો અને અન્ય ૧૭૪ શ્રમિકો એમ કુલ ૨૫૨ અસંગઠિત શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા જે શ્રમિકની માસિક આવક રૂ. ૧૦,૦૦૦ કે તેથી ઓછી હોય તેમજ એક હેક્ટર કે ઓછી વાવણી લાયક જમીન ધરાવતા હોય તેવા વ્યક્તિને સ્વરોજગાર મેળવતા શ્રમયોગી તરીકે આ કાર્ડનો લાભ મળશે. ઉપરાંત ઘરેલુ કામ કરતા શ્રમયોગીઓને પણ આ લાભ આપવામાં આવશે. અત્યારે યુ-વીન કાર્ડ અંતર્ગત અસંગઠિત શ્રમિકોની નોંધણીની કામગીરી ચાલુ છે.’અસંગઠિત શ્રમયોગીએ યુ-વીન કાર્ડ મેળવવા નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે જઇ આધારકાર્ડ, બેન્ક એકાઉન્ટની તથા મોબાઇલ નંબર, અગ્રતા પાપ્ત પરિવારનું રેશનકાર્ડ ધરાવતા હોય તો તેની નકલ લઇને ઉપસ્થિત થવાનું રહેશે. આ કાર્ડ તદ્દન નિ:શુલ્ક આપવામાં આવે છે અને આ અંગેનો ખર્ચ ગુજરાત રાજય સામાજિક સુરક્ષા બોર્ડ કરે છે. રાજય સરકાર દ્વારા યુ-વીન કાર્ડ ધારક શ્રમિકોને વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં મા વાત્સલ્ય યોજના, અકસ્માત વીમા યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના, તબીબી સહાય (ગ્રામ શ્રમ આયુક્ત તંત્ર નિયમો મુજબ) તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલમાં આવતી લાગુ પડતી યોજનાઓનો લાભ મળવાપાત્ર થાય છે. રાજય સરકાર દ્વારા યુ-વીન કાર્ડ ધરાવતા શ્રમિકોને ખૂબ જ સસ્તા ભાવે ભોજન મળી રહે એ માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવામાં આવે છે. દાહોદ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત આ કાર્ડ ધારકોને લાભ મળી રહે એ માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં યુ-વીન કાર્ડ ધરાવતા શ્રમયોગીઓને સાવ સસ્તા દરે પોષ્ટિક ભોજન મળતું થશે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ