પાટણના સાંતલપુર માં ઘુડખરનું સારવાર થાય તે પહેલાં જ મૃત્યુ થયું

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ કચ્છના નાના અને મોટા રણને સરકાર દ્વારા ઘુડખર અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવેલ છે. રણમા વસતા શિડયુલ વનના પ્રાણીઓના રક્ષણ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો વર્ષે ધુમાડો કરવામાં આવે છે. પરંતુ માનવ અતિક્રમણને લઈને વન્ય પ્રાણીઓને રણમાં રહેવું મુશ્કેલ બન્યું છે. થોડા સમય પહેલા સાત ઘુડખરના મોત થયા હતા. તે જગ્યાએ ફરી એક અશક્ત ઘુડખર વનવિભાગને મળ્યું હતું જેને સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું.સાતલપુર તાલુકાના મઢુત્રા નજીક જંગલ અને રણ વિસ્તાર નો સમન્વય થાય છે. તેવી જગ્યા પર 20 દિવસ અગાઉ ૭ના મોત થયા હતા. જેના કંકાલ વન વિભાગને મળ્યા હતા ઘુડખરના મોત બાબતે વનવિભાગ દ્વારા તપાસ કરવાની વાત કરવામાં આવી હતી. સાત ઘુડખરના મોતની તપાસ વચ્ચે તા.૨૦ મી જુનના બપોરે એક ઘુડખર મઢુત્રા નજીક અશક્ત હાલતમાં પડ્યું હોવાના સમાચાર સાતલપુર વનવિભાગના આર.એફ.ઓ ને મળતા તેઓએ તાત્કાલિક પોતાના સ્ટાફને મઢુત્રા તરફ રવાના કર્યો હતો. વનવિભાગના કર્મચારીઓ સ્થળ પર જઈ તપાસ કરતા અશક હાલતમાં ઘુડખર મળી આવ્યું હતું અશક્ત ઘુડખરને વાહનમાં ભરી વનકર્મીઓ સારવાર અર્થે સાતલપુર લાવતા હતા. તે દરમિયાન રસ્તામાં ઘુડખરનું મોત નીપજ્યું હતું. ઘુડખરનું મોત થતા તેને પીએમ માટે રાધનપુર ખાતે આવેલ વનવિભાગની કચેરીએ લાવવામાં આવ્યું હતું. અહીં રાધનપુર અને વારાહીના વેટરની ડોક્ટરો દ્વારા ઘુડખરનું પેનલ પીએમ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘુડખરના મોત અંગેનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે તેવું વનવિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય : ભરતભાઇ સથવારા પાટણ