ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઐતિહાસિક યાત્રાધામ કુંડળધામની મુલાકાત લેશે

રાજ્યપાલ તથા પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે ૧૧૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ તથા વિતરણ કરાશે.
તા.૨૫ જુલાઈ ૨૦૨૧ રવિવારે બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે રાજ્યપાલ પોતાના
રોકાણ દરમિયાન મુખ્ય મંદિર એવં કુંડલેશ્વર મંદિરનાં દર્શન સાથે દરબારગઢ, ગૌશાળા, ઔષધ વાટિકા સહિતનાં સ્થળોની મુલાકાત લેશે.
સ્વાથ્ય સુધા અને વચનામૃત ગ્રંથના હિન્દી સંસ્કરણોનું વિમોચન થશે
ગુજરાત રાજ્યના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી આગામી તા. ૨૫ મી જુલાઇના રોજ રવિવારે સવારે ૧૦ વાગ્યે બોટાદ
જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામની શુભેચ્છા મુલાકાત લેશે. કુંડળધામના પ્રેરક પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી
સ્વામી સાથે રાજયપાલશ્રી પ્રાસાદિક સ્થાન એવા કુંડળધામના મુખ્ય મંદિર, કુંડલેશ્વર મહાદેવજી મંદિર તેમજ દરબારગઢ ખાતે દર્શન કરશે.
સાથોસાથ લગભગ અઢીસો એકરમાં ફેલાયેલા કુંડળધામના વિશાળ પ્રાકૃતિક સૌંદર્યને માણશે. આ ઉપરાંત તેઓ ગીર ગૌશાળા, ઔષધ વાટિકા
સહિતના વિવિધ સ્થાનોનું અવલોકન કરશે.
રાજયપાલ તેમના રોકાણ દરમિયાન કુંડળધામના જ્ઞાનજીવનદાસજી સ્વામીના શિષ્ય અક્ષરનિવાસી સંત પૂજ્ય અચલસ્વરૂપદાસજી
સ્વામીની સ્મૃતિમાં ૧૧૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ તથા વિવિધ ગામોથી આવેલા ભક્તોને વૃક્ષોનું વિતરણ કરશે. તેમજ આ પ્રસંગે યોજાનાર સભામાં,
માનસિક એવં શારીરિક સ્વાથ્યમાં અતિ ઉપયોગી એવા સ્વાથ્ય સુધા પુસ્તકના હિન્દી સંસ્કરણનું વિમોચન રાજ્યપાલશ્રી કરશે જે કુંડળધામ
દ્વારા પ્રકાશિત થશે. તેમજ વડતાલધામ દ્વારા પ્રકાશિત હિન્દી ભાષામાં તૈયાર થયેલ શ્રીસ્વામિનારાયણ ભગવાનની પરાવાણી સ્વરૂપ વચનામૃત
ગ્રંથનું પણ વિમોચન કરશે.તેમજ રાજયપાલશ્રી પ્રાસંગિક ઉદ્ધોધન કરશે અને ત્યારબાદ પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના આશીર્વાદ મેળવશે.
રાજયપાલના આ કાર્યક્રમ દરમિયાન કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ સરકારની ગાઈડલાઇનનું કડકપણે પાલન કરાશે અને માત્ર પસંદગીના
વ્યક્તિઓને જ આ કાર્યક્રમમાં પ્રવેશ અપાશે.
આ સમગ્ર કાર્યક્રમનું યુ-ટ્યૂબ સ્વામિનારાયણ ચેનલ અને કુંડળધામના સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ કરાશે જેનો લાભ હજારો
લોકો ઘેર બેઠા લઇ શકશે.