ગાંધીધામ શહેરમાં બે ઈસમ પાસેથી મોંઘા પ્રકારનો અંગ્રેજી દારૂનો જથ્થો જપ્ત કરાયો

ગાંધીધામ શહેરના રમત-ગમત સંકુલ નજીક ક્રિકેટનો સટ્ટો રમતા એક ઈસમ પાસેથી દારૂનો જથ્થો પણ કબજે કરાયો હતો. ઝડપાયેલા આ ઈસમ થકી તેને દારૂ આપનારા પાસેથી વધુ માલ મગાવી પોલીસે બે ઇસમોને ઝડપી પાડયા હતા. આ બે ઇસમો પાસેથી વધુ રૂ.81,000 નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. શહેરના રમતગમત સંકુલ પાસે ક્રિકેટનો સટ્ટો રમતા ભરત પરમાનંદ સુખવાણી નામના ઈસમને પોલીસે ઝડપી પાડયો હતો. આ ઈસમ પાસેથી રૂ.8400નો દારૂ મળી આવતાં તેના વિરુદ્ધ બે ગુના દાખલ કરાયા હતા. આ ઈસમની પૂછપરછ કરતાં તેને અમિત નામનો ઈસમ દારૂ આપી ગયો હોવાની કેફિયત તેણે પોલીસ સમક્ષ આપી હતી અને તેના કહેવાથી આ અમિત વધુ માલ આપી જશે તેવું પણ તેણે કહ્યું હતું, જેથી આ અમિત ઝાને વોટ્સએપ પર મેસેજ કરી વધુ માલ મગાવવા ભરત સુખવાણીને જણાવાયું હતું. આ ઇસમે શહેરના ક્રોમાના શો-રૂમ નજીક આવી માલ લઈ જવા જણાવ્યું હતું, જેથી ભરતને લઈને પોલીસ ક્રોમાના શો-રૂમ પાસે ગઈ હતી, જ્યાં વોચ ગોઠવાઈ હતી. થોડીવાર બાદ ત્યાં કાળા રંગની કાર આવી અને આગળ વધી હતી. આરોપી અમિતએ ભરતને ધી શિવ ગ્રાન્ડ હોટેલ નજીક આવવા કહ્યું હતું. પોલીસ ત્યાં જઈ કાળા રંગની કારમાં સવાર ધેવારામ ઓબાજી રબારી તથા અમિત દીવાકર નામના ઇસમોને ઝડપી પાડયા હતા. તેમની આ કારમાંથી જોની વોકર રેડલેબલની 1 લિટરની 12, જોની વોકર બ્લેકલેબલ 1 લિટરની 12 તથા જસ્ટિરીન એન્ડ બ્રુકસ લેબલ સ્કોચની 11 બોટલ એમ કુલ 81,000નો અંગ્રેજી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. કાર, મોબાઈલ, મોંઘો શરાબ એમ કુલ રૂ.10,99,000નો મુદામાલ આ ઇસમો પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંને ઇસમો મોંઘા પ્રકારનો આ દારૂ કયાંથી લાવ્યા હતા તે હજુ બહાર આવ્યું નથી, જેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.