ગુનેરીના સીમાડામાં ઘડુલીના યુવકે વીજ થાંભલા પર ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

લખપત તાલુકાના ઘડુલી ગામના 22 વર્ષના યુવકે પોતાની પત્ની સાથેના અણબનાવ ઉપરાંત સાળીને અન્ય સમાજના યુવક સાથે જોઇ જતાં ધાકધમકી કરાતી હોવાને કારણે ગુનેરી ગામ નજીકના સીમાડામાં એક વીજ થાંભલામાં દોરી બાંધી આત્મહત્યા કરી લેવાના બનાવે ચકચાર મચાવી છે. તો, બીજી તરફ હતભાગીએ મરતાં પહેલા એક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. જેમાં જવાબદારોના નામોનો ઉલ્લેખ થતાં પોલીસે છાનબીન હાથ ધરી છે.
મૂળ ઘડુલી ગામનો રહેવાસી લક્ષ્મણ કાંતિભાઈ કોલી નામના યુવકે ગુનેરી ગામ નજીક વીજ પોલ પર દોરી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. બે સંતાનના પિતા લક્ષ્મણ કોલીના પત્ની સાથે અણબનાવ હોઇ પત્ની પિયર ચાલી ગઇ હતી. મૃતક તેની સાળીને વિધર્મી યુવક સાથે જોઇ ગયો હોઇ સાળી દ્વારા મૃતકને ધમકી અપાતી હોવાને કારણે આતઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
હતભાગી યુવક રાત્રે ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયા પછી શોધખોળ દરમિયાન તેની લાશ ગુનેરી ગામના સીમમાં વીજ પોલ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી.આત્મહત્યા પહેલા મૃતક યુવકે પોતાનો બે મિનિટ 50 સેકન્ડનો વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેના આત્મહત્યા પાછળ સાળી જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.
હતભાગીની લાશને દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ આવતા હોસ્પિટલમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ઘટના અંગે દયાપર પોલીસને જાણ કરાઇ છે. દયાપર પોલીસે હતભાગી યુવાનના વીડિયોને લઇ વધુ તપાસ હાથ ધરી છે.
હતભાગી યુવકની પત્ની સાથે અણબનાવ હોઇ પિયર ચાલી ગઇ છે. બે સંતાન છે. યુવકના મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. હતભાગીના પિતા કાન્તિભાઇ કોલીએ જ્યાં સુધી પુત્ર લક્ષ્મણના હત્યારાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી પુત્રની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
મરવા પહેલા હતભાગી યુવકે વાયરલ કરેલા વીડિયોમાં મરવા માટે મજબુર કરવા તેની સાળી તેમજ પાન્ધ્રોના યુવકનો ઉલેખ કર્યો છે. જેના પરથી પોલીસે તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.