ધાનેરાના જડીયા પાસેથી જીવદયા પ્રેમીઓએ 34 પાડાં ભરેલી ટ્રક પકડી

copy image

ધાનેરા તાલુકાના જડીયા ગામ નજીકથી રાત્રે ગૌસેવકોએ કતલખાને લઇ જવાતા 34 પાડાઓને બચાવી પોલીસને હવાલે કર્યા. જેથી પોલીસે આ ઈસમ સામે પશુ પરીવહન કરવાનો પ્રતિબંધ હોવા છતાં એક જ ટ્રકમાં 34 પશુઓ લઇ જવાતા હોવાથી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.

ધાનેરા તાલુકાના ગોલા ગામથી રાત્રે ટ્રકમાં પાડાઓ ભરી લઇ જવાના હોવાની બાતમી જીવદયા પ્રેમીઓને મળતા તેઓએ જડીયા ગામ નજીક એક પેટ્રોલ પંપ પાસે નાકાબંધી કરી. ધાનેરા પોલીસને પણ આ વિશે જાણ કરતાં પોલીસની ટીમ પણ આવી હતી અને ગોલા ગામ તરફથી આવતી ટ્રક ને ઉભી રખાવી તપાસ કરતાં તે ટ્રકમાં કોઇપણ ઘાસચારા કે પાણીની સગવડ વિના 34 પાડાઓ ભરેલા જોવા મળતા જીવદયા પ્રેમીઓ સતિષભાઇ જાની, કૃપાલસિહ સોલંકી, સુરેશભાઇ માજીરાણા, રમેશભાઇ પટેલ, શેરાજી રાજપુત તેમજ પોલીસના રાયસંગભાઇ, રવિકુમાર તેમજ અન્ય પોલીસ જવાનોએ આ અંગે તપાસ કરી ટ્રકના ચાલકની પુછપરછ કરતાં આ પાડાઓ ગોલા ગામે ગનીભાઇ મુસ્લાને ત્યાંથી ભરીને પાટણ અમરતભાઇને ત્યાં ઉતારવાના હતા.

પોલીસે આ પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરાતી હોવાથી ટ્રક તેમજ પશુઓ જપ્ત કર્યા. જેમાં 34 પાડા ગાડી સહિત 6,00,000 મળી કુલ રૂ.7,02,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ગનીભાઇ મુસ્લા (રહે.ગોલા,તા.ધાનેરા), વસીમખાન (રહે.જુનાડીસા,તા.ડીસા), મહેબુબખાન પઠાણ (રહે.વાગડોદ) તથા અમરતભાઇ (રહે.પાટણ) સામે ફરિયાદ દર્જાવી હતી.