2020-21મા અબજોની કિંમતના હેરોઈનના 5 કન્સાઈમેન્ટ દેશમાં ઘુસાડાયાનો ઘટસ્ફોટ


ગત વર્ષે મુંદ્રામાં DRI એ પકડેલા 21 હજાર કરોડના હેરોઈન ડ્રગ્સ કેસમાં NIA દ્વારા આગળની તપાસમા 2020 થી 2021ના એક વર્ષના ગાળામા ભારતમાં અલગ અલગ 5 ડ્રગ્સના કન્સાઈમેન્ટ ઘુસાડાયો હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. સુત્રોએ જણાવ્યું કે મહતમ આ પ્રકારનો કાર્ગો મુંદ્રાથી ઘુસ્યો હોય તે સંભવ છે, પરંતુ તે સાથે કોલકતા કે ભારતના અન્ય પોર્ટનો ઉપયોગ પણ થયો હોઇ શકે. તો NIA ને આ તપાસમાં મહત્વની કડી ગણાતા મહત્વના આરોપી અફઘાનિસ્તાનના શહેરનશાહ ઝહીરને પકડી પાડવામાં નોંધપાત્ર સફળતા મળવા પામી. જે આ તપાસમાં એક મોટો ટર્નીંગ પોઇન્ટ સાબીત થઈ શકે છે.
સપ્ટેમ્બર, 2021માં મુંદ્રા પોર્ટ પર આયાત થયેલા બે કન્ટેનરમાંથી 3 ટનનો જંગી હેરોઈન ડ્રગ્સનો જથ્થો મળી આવતા હડકંપ મચ્યો હતો. 21 હજાર કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતો આ જથ્થો અફઘાનિસ્તાનની હસન હુસેન કંપનીએ એક્સપોર્ટ કર્યો હતો, જેના બન્ને ભાગીદાર ભાઈઓ એજન્સીની રેડારમાં છે, તો અફઘાનિસ્તાનના કાબુલમાં રહેતો અને આ કન્સાઈમેન્ટમાં મહત્વની ભુમીકા ભજવી હોવાની શક્યતા ધરાવતો આરોપી શહેનશાહ ઝહીરને NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આને કેસની તપાસમાં ટર્નીંગ પોઇન્ટ સમાન મહત્વનો પડાવ મનાઈ રહ્યો છે.
આરોપી ઝહીર ન માત્ર આંતરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલીંગની પ્રવૃતિઓમાં સામેલ હતો પરંતુ તે સાથે આતંકવાદી પ્રવૃતિઓને ટેકો આપવાં કે ડ્રગ્સ ફંડીગના કારોબારમાં લીપ્ત હોવાનું મનાઈ રહ્યું છે. આ સાથે તેવો પણ ઘટસ્ફોટ થવા પામ્યો છે કે નવેમ્બર 2020 થી મુંદ્રામાં જ્યારે આ કન્સાઈમેન્ટ ઝડપાયું, એટલે કે સપ્ટેમ્બર, 2021 સુધીમાં આ પ્રકારના 5 કન્સાઈમેન્ટ ભારતમાં ઘુસાડાયા હતા, જેમાં સંભવત મુંદ્રા પોર્ટ સાથે દેશના અન્ય પોર્ટ્સનો ઉપયોગ પણ થયો હોઇ શકે છે, માત્ર મુંદ્રામાં ઝડપાયેલા કન્સાઈમેન્ટની વેલ્યુ 21 હજાર કરોડ અંકાઈ હતી, તો અત્યાર સુધી અબજોનું ડ્રગ્સ દેશમાં પગ કરી ગયું હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર રેકેટ ચલાવતા તત્વોના હાર્દ સુધી એજન્સીઓનો પ્રવેશ થઈ ચુક્યો હોવાથી વધુ ખુલાશાઓ ટુંક સમયમાં થાય તેવી શક્યતા છે.