અમદાવાદ ગયેલા નિવૃત ડોકટરના ઘરમાંથી રૂ.1.46 લાખની તસ્કરી


ભુજ શહેરની આનંદ કોલોનીમાં રહેતા નિવૃત ડોક્ટરના દિકરીની સગપણ મામલે અમદાવાદ ગયા પાછળ બંધ ઘરને ચોરે નિશાને તાકીને અંદરથી રૂપિયા 40 હજાર રોકડા, 91 હજારના સોના ચાંદીના ઘરેણા તેમજ સીસીટીવી કેમેરા, મીક્ષર, નળ, જેટ સ્પ્રે સહિતનો મુદામાલની તસ્કરી કરતાં ચકચાર મચી હતી. ઘટનાને લઇ કોલોનીના રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. મળતી માહિતી અનુસાર આનંદ કોલોનીમાં રહેતા નિવૃત તબિબ બિપિનચંન્દ્ર નરોતમદાસ ઠકકર તેમની અમદાવાદ મધ્યે રહેતી અને આર્કીટેકની નોકરી કરતી દિકરીની સગાઇની વાતચિત ચાલતી હોવાટી ફરિયાદી ગત 17 જુલાઇના અમદાવાદ ગયા હતા.
તે દરમિયાન તેમના પાડોશીનો ફોન આવ્યો કે, તમારા મકાનની અગાસીનો દરવાજો ખુલ્લો છે. જેથી ફરિયાદીએ તેમના સબંધીઓ વડે તપાસ કરાવતાં ઘરમાંથી ચોરી થયાનું જાણવા મળ્યું. જેથી તાત્કાલિક ફરિયાદી ભુજ આવીને બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ચોરીની ઘટના ગત 19 જુલાઇના રાત્રીના બાર વાગ્યાથી 16 સપ્ટેમ્બરના બાર વાગ્યા દરમિયાન બની હતી.
કોઇ અજાણ્યા ઇસમોએ ફરિયાદીના ઘરમાં ઉપરના માળે આવેલા રૂમમાં પ્રવેશીને કબાટમાંથી રૂપિયા 91 હજારના સોના ચાંદીના દાગીના ઉપરાંત કબાટમાં રહેલ રોકડ રૂપિયા 40 હજાર તથા ઘરમાં લાગેલ સીસીટીવી કેમેરા, બાથરૂમમાંથી ત્રણ નળ અને જેટ સ્પ્રે સહિત રૂપિયા 1 લાખ 46 હજારના મુદામાલની તસ્કરી કરી ગયા હતા. બી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.