ગાંધીનગરમાં જૂની પેન્શન સ્કીમની માંગણી સાથે આજે સરકારી કર્મચારીઓ મનાવશે BLACK DAY 

black-day

ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમની માગણી સાથે આજે બુધવારે કાળો દિવસ મનાવશે. નવી પેન્શન સ્કીમમાં સમાવેશ થયો હોય તેવા 2005 પછીની ભરતીના કર્મચારીઓ બુધવારે કાળાં કપડાં પહેરીને ફરજ બજાવશે.

બીજી તરફ જૂની પેન્શન સ્કીમ માટે રચાયેલા રાષ્ટ્રીય કક્ષાના મંડળે બુધવારે ગાંધીનગરમાં વિધાનસભા કૂચનું એલાન આપ્યું છે.હાલ સરકાર સામે 20 થી વધુ આંદોલન ચાલી રહ્યાં છે, જેને કારણે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આંદોલન ઉપરાંત બુધવારથી વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું હોવાથી પોલીસ, SRP, રેપિડ એક્શન ફોર્સ સહિત 1500 પોલીસ જવાનો તહેનાત કરાયા છે.

આંદોલન દરમિયાન મંગળવારે વનરક્ષકો-વનપાલોએ ચ-3 અરણ્ય ભવન ખાતે ધરણાં કર્યાં હતાં. જ્યાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. સતત બીજા દિવસે પોલીસે વનરક્ષકોને ડિટેન કર્યા હતા. VCE  મંડળ દ્વારા પણ જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાનું એલાન કર્યું છે. આ ઉપરાંત LRD, આરોગ્ય કર્મચારીઓ, પૂર્વ સૈનિકો દ્વારા પણ ધરણાં યથાવત્ રાખવામાં આવ્યાં છે.