ગાંધીધામમાં લૂંટ, બાઈક ચોરી, મોબાઈલ ઝુંટવતા 6 આરોપીઓ ઝડપાયા

ગાંધીધામમાં લુંટ, વાહન ચોરી અને મોબાઈલની ચીલઝડપના વધટી ઘટનાઓમાં શહેરની પોલીસને મહત્વપુર્ણ ડિટેક્શન કરીને કુલ ત્રણ અલગ અલગ કાર્યવાહીમાં 6 આરોપીઓને પકડી પાડીને તેમની પાસે ચોરી કે લુંટમાં ગયેલા સહિત તે ગેરકાનુની કાર્ય કરવા માટે ઉપયોગમાં લીધેલા કુલ 3.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કાર્યવાહીમાં 5 આરોપી તો પકડાઈ ગયા હતા, પરંતુ બે આરોપી હાજર ન મળતા તેમના નામજોગ ફરિયાદ નોંધાઈ હતી.

ગાંધીધામમાં ગયા અઠવાડિયે બનેલી રીક્ષામાં લુંટની ઘટનાનો ભેદ ઉકેલતા પોલીસે બે આરોપી અને બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો સહિત ચારને પકડી પાડ્યા અને હાજર ન મળેલા એક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

જે અંગે તપાસમાં રહેલી એ ડિવિઝન પોલીસે ટેક્નીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી ગોપાલપુરી કોલોની પાછળથી મોહમદસલીમ આઝાદબાપુ શાહ (ઉ.વ.28), શ્રીકાંત ઉર્ફે મજલો શંકર મહતો (ઉ.વ.18) (રહે. બન્ને પીએસએલ કાર્ગો) અને બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને ઝડપ્યા હતા. તો પીએસએલ કાર્ગોમાંજ રહેતા ગોવર્ધન પાસવાનને પકડાયો હતો નહિ. આ પાંચેય વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે લુંટમાં ગયેલા રોકડ 15 હજાર, પેસેન્જર છકડો, 4 મોબાઈલ અને એક છરી મળીને કુલ 95,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરીમા પીઆઈ એ.બી. પટેલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

ગાંધીધામના જીઆઈડીસીમાંથી મોબાઈલ ચોરી કરીને ભાગેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. એ ડિવિઝન પોલીસે જીઆઈડીસી રોડ પર મોબાઈલની ચીલ ઝડપ કરનાર આરોપી હુશેન અબ્દુલા મામદ અજાભાઈ (રહે. ખારીરોહર, પીરકોલોની) ને પકડી પાડ્યો હતો, પરંતુ જુસબ ઉર્ફે કુવાડો (રહે. ખારીરોહર) પકડાયો ન હતો. આરોપી પાસેથી ચીલઝડપ કરેલો 10 હજારનો મોબાઈલ, એક બાઈક મળીને કુલ 45 હજારનો મુદામાલ કબ્જે કરાયો હતો.