કોંગ્રેસના ‘સ્વઘોષિત ઉમેદવાર’ની ભાજપના ‘અઘોષિત ઉમેદવાર’ને ધમકી


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના વાયરા વચ્ચે ચૂંટણી લડવા માંગતા દાવેદારો ઘણા સમયથી સક્રીય થઈ ગયા છે. પોતાના ભગવાનની સેવાથી લઈને આકાઓની આગળ-પાછળ ફરીને દાવેદારો પોતાની ટિકિટનો દાવો મજબૂત કરી રહ્યાં છે. વર્ષો જુના પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં તો દર ચૂંટણી વખતે દાવેદાવોનો રાફળો ફાટે છે. ત્યારે આ વખતે પણ ટિકિટ માટે મથતા દાવેદારોએ પોતાના વિસ્તારમાં બેઠકો અને લાગતા વળગા લોકોને આકર્ષવાનું શરૂ કરી દીધું છે.
ત્યારે આ બધા વચ્ચે ગાંધીનગરના રાજકારણમાં વિચિત્ર ઘટના બની હતી. ગાંધીનગર ચાલતી ચર્ચા મુજબ કોંગ્રેસના એક સ્વઘોષિત ઉમેદવારે ભાજપના અઘોષિત ઉમદેવારને સામે ન આવવા ચીમકી આપી હતી. મળેલી માહિતી મુજબ કોંગ્રેસના નેતાની નજીક ગણાતા એક નેતાને પોતાની ટિકિટ પાક્કી હોવાનું માની લીધું છે. સતત પોતાનો પડછાયો બનીને ચાલતા આ નેતાને વરિષ્ઠ નેતાઓ ટિકિટ મળી જશે તેવી ખાતરી આપી દીધી હોવાનું કહેવાય છે. જે માટે કોંગ્રેસના આ સ્વઘોષિત ઉમેદવારે ગામડાઓમાં બેઠકો પણ શરૂ કરી દીધી છે.
આ બધા વચ્ચે આ નેતાના સમાજના અન્ય એક નેતા પોતાને ભાજપમાંથી ટિકિટ મળે તે માટે મથે છે. છેલ્લી બે ટર્મથી દાવેદારી કરતાં નેતાએ આ વખતે પણ ભાજપમાંથી ટિકિટ માટે સક્રિય છે ત્યારે એક જ સમાજમાં આવતા હોવાથી કોંગ્રેસના સ્વઘોષિત ઉમેદવારે ભાજપના અઘોષિત ઉમદેવારને દાવેદારી ન કરવા માટે ચીમકી આપી હોવાની ચર્ચા છે. ત્યારે આ પ્રકારે અપાયેલી ચીમકી હાલ ગાંધીનગરના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. 2 ટર્મથી સતત પ્રયત્નો કરતાં નેતાને દાવેદારી ન કરવા કહી દેતા આ મુદ્દો હાલ ગાંધીનગરના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે.