લાયજા અને કાળી તલાવડીમાં ભાજપની ‘નમો પંચાયત’ કાર્યક્રમમાં કિસાનોનો ઉગ્ર વિરોધ


કેન્દ્ર સરકારે ખેડૂતો માટે કરેલી કામગીરીના પ્રચાર-પ્રસાર માટે ભાજપના કિસાન મોરચા દ્વારા કચ્છમાં નમો પંચાયતના નામ સાથે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેનો માંડવી તાલુકાના લાયજા અને ભુજ પંથકના કાળી તલાવડી ગામમાં ઉગ્ર વિરોધ થયો હતો.
મંગળવારે નખત્રાણા તાલુકાના થરાવડા અને ભડલીમાં કિસાનોના રોષને પગલે નમો પંચાયત કાર્યક્રમ થઇ શક્યો નહી. બીજા દિવસે બુધવારે પણ આ ક્રમ જારી રહ્યો હતો. માંડવી તાલુકાના મોટા લાયજા મધ્યે ભાજપના માંડવી-મુન્દ્રા તાલુકાના કિસાન મોરચાના હોદ્દેદારો સરકારના ગુણગાન ગાવા પહોંચી ગયા હતા. મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશ પટેલે ઉદ્દબોધન શરૂ કરતાં જ કિસાન સંઘના આગેવાનોએ પહેલાં ખેડૂતોની માગણીઓ પૂરી કરો તેવી ઉગ્ર માગણી કરતાં કાર્યક્રમ આગળ વધી શક્યો ન હતો.
માંડવી તાલુકા કિસાન સંઘના પ્રમુખ રતિલાલ રાબડિયાએ વીજળી, ખેતી, પશુપાલન અને મહેસૂલના સવાલોને લઇ છેલ્લા એક મહિનાથીથી ગાંધીનગરમાં આંદોલન ચાલી રહ્યું છે પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી તેવા આક્ષેપો કર્યા. આવી જ રીતે ભુજ તાલુકાના કાળી તલાવડીમાં બપોર પછી યોજાયેલા નમો પંચાયત કાર્યક્રમમાં કિસાન મોરચાના આગેવાનો પણ કિસાનોના રોષનો ભોગ બન્યા હતા.
અહીં કિસાન સંઘના જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયા, મંત્રી ભીમજી કેરાસિયા, તાલુકા પ્રમુખ કાનજી ગાગલે ખેડૂતોના હિત અર્થે સરકારે કશું જ કર્યું નથી તેવા આક્ષેપો કરતાં મામલો ગરમાયો. ઉપસ્થિત કિસાનોએ પણ કાર્યક્રમનો ઉગ્ર વિરોધ કર્યો હતો અંતે ફિયાસ્કો થયો હતો. ગાંધીનગરમાં ચાલી રહેલા આંદોલનનો અંત નહીં આવે અને સરકાર માગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી કચ્છના એકપણ ગામમાં નમો પંચાયત યોજવા નહીં દઇએ તેવી ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારાઈ હતી.