વિગોડીની સીમમાં પવનચક્કીમાં રાત્રે ઘૂસેલા તસ્કરોને પકડવા પોલીસ અને ગ્રામજનો ધંધે લાગ્યા

copy image

નખત્રાણા તાલુકાના વિગોડી ગામના સીમાડામાં આવેલી આઈનોક્સ કંપનીની પવનચક્કીના 100 મીટર ઉપર આવેલા સ્ટોરરૂમ પર ચોર હોવાના અનુમાનથી સરપંચ સહિત ગ્રામજનો તેમજ પોલીસ દોડતી થઇ. મોડી રાતના સિક્યુરીટી ગાર્ડે ત્રણ ઈસમને ભાગતા જોયા અને વાયરો વેરવિખેર પડ્યા હોવાથી એક હજુ ઉપર હોવાનું માનીને ગામ લોકોને જાણ કરાતાં આ વાત નખત્રાણા પોલીસ સુધી પહોંચી ગઈ હતી.

ચોરને રંગે હાથે પકડી લેવા પોલીસ કાફલો અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા પરંતુ ઉપરથી કોઇ ભારે વસ્તુ ફેંકાય અને કઇ અજુકતું બની જાય તેવા ભય સાથે બીજા દિવસે મોડી સાંજ સુધી ચોર નીચે ઉતરે તેની સૌ રાહ જોતા હતા. જો કે, પોલીસે તપાસ કર્યા પછી પવનચક્કી પર કોઇ ઈસમ ન હોવાનું બહાર આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર પવનચક્કી પર ફરજ બજાવતા સિક્યુરિટી કોન્ટ્રાકટર ગીરીરાજસિંહ રાત્રીના બે વાગ્યે બાઇકથી આવ્યા ત્યારે ત્રણ ઈસમને ભાગતા જોયા અને તપાસ કરતાં કેબલ વાયરો વેરવિખેર પડ્યા હતા. ઉપરાંત 100 મીટર ઉપરથી વધુ એક વાયર પડતા કોઈ ચોર હજુ પણ ઉપર હોવાના અનુમાનથી સિક્યુરિટીના ઇન્ચાર્જ ગુરમિતસિંહ રાઠોડને તેમણે જાણ કરી હતી. આ અંગે પોલીસને વાકેફ કરવામાં આવતા ઘડાણી પોલીસ આઉટ પોસ્ટના વેરશીભાઇ, નિકુંજદાન ગઢવી પહોંચી આવ્યા હતા. કંપનીના કર્મચારીઓ અને પોલીસે આખી રાત દેખરેખ કરી હતી.

દરમિયાન ગામના સરપંચ ભરતભાઈ વાઘેલા સહિતના લોકો જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ સ્થળ પર પહોચી ગયા હતા. બાદમાં નખત્રાણા પીઆઇ આર.જે. ઠુંમર, એએસઆઇ મુકેશકુમાર સાધુ, ધનજીભાઇ આહીર સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો.

પોલીસે સમગ્ર વિગત જાણી 100 મીટર ઉપર કોઈએ જવું નહીં તેવી સુચના આપી કોઇ ભારે ચીજ વસ્તુ ઉપરથી પડે તો, જોખમ હોવાનું જણાવી પોલીસ તેમજ ગ્રામજનોએ પવનચક્કી પર રહેલા શંકાસ્પદ ચોરની નીચે ઉતરે તે માટે મોડી સાંજ સુધી રાહ જોઇ હતી. આખરે કંપનીના માણસોને સેફટી સાથે અંદર મૂક્યા હતા, આખી વિન્ડમિલ ચેક કરી પણ અંદરથી કોઇ ન નિકળ્યું.