વિગોડી પાસેના પદયાત્રી સેવા કેમ્પમાંથી 50 હજાર રૂપિયા અને 8 મોબાઇલ સહિત થેલાની ચોરી

દેવભૂમિ દ્વારકાના મીઠાપુરથી એક બુલેટ અને 6 મોટર સાયકલ પર માતાનામઢ દર્શન કરવા જઇ રહેલા યાત્રાળુઓ વિગોડી પાસેના મોરાવાડી બિદડા મુંબઇ આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટના સેવા કેમ્પમાં વિસામો લઇને થેલાઓ મુકી હોજમાં નાહવા ગયા આ દરમિયાન કોઇ અજાણ્યો ઈસમ રોકડ રૂપિયા 50 હજાર અને 8 મોબાઇલ સાથેનો એક થેલો ચોરી કરી જતાં ચકચાર મચી છે.

નખત્રાણા તાલુકાના વિગોડી ગામ પાસે મોરાવાડીના બિદડાના સેવા કેમ્પમાં ચાર બાઇક સવારો ઉભા રહ્યા હતા. અને બે બાઇક સવારો આગળ નીકળ્યા હતા. સેવા કેમ્પમાં રોકાયેલા યાત્રાળુઓ પોતાના પાસે રહેલા થેલાઓ મુકીને ત્યાં સાથે આવેલા એક છોકરાને ધ્યાન રાખવા બેસાડ્યો અને બાજુમાં આવેલા પાણીના હોજમાં નાહવા ગયા તે સમયે થેલાઓ પાસે બેઠેલા છોકરા પાસેથી સેમ્પુ મંગાવ્યું હતું.

છોકરો સેમ્પુ દેવા ગયો એટલીવારમાં કોઇ અજાણ્યો ઈસમ આ યાત્રાળુઓના થેલાઓ પૈકી એક થેલો જેમાં આસરે 50 હજાર જેટલી રોકડ રકમ અને 8 મોબાઇલો હતા. તે થેલો લઇને ફરાર થઇ ગયો હતો. ભોગબનારાઓએ આસપાસ તપાસ કર્યા પછ બાઇકથી એક યુવક ઘડાણી ગામમાં ઓઉટ પોસ્ટના જમાદાર પાસે જઇને સમગ્ર બનાવ જણાવ્યુ હતું.

નખત્રાણા પોલીસ મથકના પીએસઓએ જણાવ્યું હતું કે,  નિલેષ બાબુભાઇ નામના યુવક સહિતનાઓ નખત્રાણા પોલીસ મથકમાં આવ્યા હતા. તેઓનો 40 હજાર રોકડા રૂપિયા અને આઠ મોબાઇલ સાથેનો થેલો ચોરાઇ ગયો હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે કાચી નોંધ લીધી છે.