નાની રેલડીની સરકારી જમીનમાં ગેરકાયદે રીતે હાર્ડમોરમની ખનન પ્રવૃતિ ખાણ ખનિજ ખાતાની ઝપટામાં

copy image

નાની રેલડી ગામમાં આવેલી સરકારી જમીનમાં ગેરકાયદે રીતે હાર્ડમોરમ (બ્લેકટ્રેપ) નું ખનન થતું હોવાની બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટુકડીએ દરોડો પાડતા બે વાહનો સિઝ કરાયા હતા. જાણવા મળતી વિગતો અનુસાર,નાની રેલડી ગામમાં આવેલી સરકારી ટાવર્સની જમીનમાંથી હાર્ડમોરમનો જથ્થો ઉસેડાટો હતો.

ત્યારે જ ખાણ ખનીજ વિભાગની ટીમ પહોંચી અને રોયલ્ટી અને પાસ પરમીટ માંગવામાં આવતા કોઈ પુરાવા મળ્યા ન હતા જેથી સ્થળ પર ખનીજની સાથે જેસીબી અને લોડરને સિઝ કરાયા હતા.ખાણ ખનીજ અધિકારી દેવેન્દ્રસિંહ બારીયાએ કાર્યવાહીને સમર્થન આપતા વાહનમાલિક સામે નોટિસ ઇશ્યુ કરી દંડની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું કહ્યું.

સૂત્રો પાસે થી જાણવા મળ્યું, ઘટનાસ્થળે વાહનચાલકો પાસેથી પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તેઓએ ગ્રામ પંચાયતની મંજૂરીનો કાગળ દેખાડ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને અગવડતા ન થાય તે માટે આ ખનીજ લેવાની મંજૂરી અપાઈ હોવાનું કહેવાયું છે પણ સંબંધીત એવા ખાણ ખનીજ કે રેવન્યુ વિભાગની મંજૂરી લીધી ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે તેમજ દંડની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ દબાવી દેવા અમુક રાજકારણીઓએ ફોન કરીને પ્રેશર લાવવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે વિભાગે દબાણને વશ થયા વિના પોતાની કાર્યવાહી જારી રાખી છે.

બંને વાહનો ઢોરી ગામની વ્યક્તિના માલિકીના હોવાનું બહાર આવ્યું છે, ઉપરાંત એક વાહન હજી નવું જ હોવાથી તેની આરસી બુક પણ ન બની હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.