એસ.ટી. બસ સ્ટેશનમાં વધુ એક મહિલાના ગળામાં રહેલું 1.40 લાખનું મંગળસૂત્ર ચોરાયું


ભુજ એસટી બસ સ્ટેશન પર શુક્રવારે મુન્દ્રાની મહિલાના ગળામાંથી 1.40 લાખના મંગળસૂત્રની ચોરી કરી જતાં પાંચ દિવસમાં જ ત્રીજી ઘટના સામે આવી હતી. ઘટનાને લઇ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અનુસાર નખત્રાણાના મોટી ગોંધીયાર ગામના હાલ મુન્દ્રા રહેતા રાકોરબા દોલતસિંહ સોઢા તેમના પતિ સાથે ભુજ ખાનગી હોસ્પિટલમાં દવા લેવા માટે સવારે ભુજ આવ્યા ત્યાર બાદમાં બપોરે દોઢ વાગ્યે મુન્દ્રા જતી એસટી બસમાં ફરિયાદી દંપતિ ચડી રહ્યા હતા તે દરમિયાન બસમાં ચડવા ધકામૂકી થઇ હતી. ત્યારે કોઇ અજાણ્યો ઈસમ ફરિયાદીના ગળામાં પહેરેલું ચાર તોલાનું મંગળસૂત્ર ખેંચી ગયો. બસમાંથી ઉતરી ફરિયાદી દંપતિએ તપાસ કરતાં કોઇ ભાડ ન મળી હોવાથી ભુજ એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ત્રણ દિવસ પૂર્વે ગાંધીધામ રહેતા હંસાબેન ભુજથી નલિયાની બસમાં ચડવા જતાં તેમનું રૂપિયા 1.75 લાખનું મંગળસૂત્ર ખેંચી જવાયું હતું.
ઘટના આગલા જ દિવસે મુન્દ્રાના બારોઇ રહેતા બારોઇના આધેડ સાથે બસમાં ચડવાની ધક્કામૂકીમાં પેન્ટના ખીસ્સામાંથી એક લાખ રૂપિયા સાથેની થેલી શેરવી જવામાં આવી હતી. આમ પાંચ દિવસની અંદર ભુજ એસટી બસ સ્ટેશન પર ત્રીજો બનાવ બનતાં પ્રવાસીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. હાલ પોલીસે મહિલાની ફરિયાદ લઇ તપાસ હાથ ધરાઈ છે. પરંતુ એસટી બસ સ્ટેશન પર પ્રજાની સુરક્ષા માટે પોલીસ વિભાગે વધુ સભાનતા દાખવે એ અનિવાર્ય છે. તાજેતરમાં માતાનામઢના પદયાત્રીઓનો તેમજ અન્ય મુસાફરોને લીધે બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળે છે. ત્યારે પ્રજાના જાન માલની રક્ષા કરવાની જવાબદારી જેમના પર છે તે પોલીસ તંત્ર સઘન પેટ્રોલીંગ કરે તેવી પ્રવાસીઓમાં માંગ ઊભી થઈ છે.