વડોદરાથી અપડાઉન કરતા વિદ્યાનગરની BJVM કોલેજના વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત, અકસ્માત સર્જનાર ફરાર


વાસદના મહીસાગર નદીના બ્રિજ પહેલા પુર ઝડપે જતા વાહને બાઇકને ઠોકર મારી હતી. જેના લીધે બાઇક પર સવાર વિદ્યાનગરની BJVM કોલેજના વિદ્યાર્થીનું સ્થળ પર મૃત્યુ થયું હતું. જ્યારે તેની સાથે રહેલી તેની મિત્રને ગંભીર ઇજા થઈ હતી. આ વિશે વાસદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
જામનગરના જામજોધપુર મધ્યે રહેતા શૈલેષભાઈ જેરામભાઈ કડીવારનો પુત્ર શીવ (ઉ.વ.19) છેલ્લા એક વર્ષથી વિદ્યાનગરની BJVM કોલેજમાં કોમર્સના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને પીજીમાં વડોદરા મધ્યે તેના મિત્રો સાથે રહેતો હતો. શીવ આણંદ – વડોદરા વચ્ચે અપડાઉન માટે બાઇકનો ઉપયોગ કરતો હતો.
આ દરમિયાનમાં શુક્રવારના રોજ શીવનો વાસદ મહિસાગર નદીના બ્રિજ પાસે આણંદથી વડોદરા તરફના નેશનલ હાઈવે પર પ્લેઝર લઇ જતાં અકસ્માત થયો હતો. તેની સાથે તેની મિત્ર વામા પણ પાછળ બેઠેલી હતી. આ અકસ્માતમાં બંનેને ગંભીર ઇજા થઈ હતી. જેમાં શીવનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે વામાને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
આ બનાવના પગલે શીવના પરિવારજનો વાસદ દોડી આવ્યાં હતાં. તપાસ દરમિયાન શીવનો ડાબો પગ જાંઘના ભાગેથી છુંદાઇ જઇ છુટો થઈ ગયો હતો અને શરીર ઇજા થઈ હતી. વાસદના મહિસાગર નદી બ્રિજ પહેલા રોડ પર અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં શીવ અને તેની મિત્ર વામા રોડ પર પડી જતાં ગાડીનું ટાયર શીવના ડાબા પગ પરથી ફરી ગયું હતું. આ વિશે વાસદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.