દાગીના લેવાના બહાનાથી યુવકે જ્વેલર્સની દુકાનમાથી રૂ.1.02 લાખના દાગીના લઈને થયો છૂમંતર

પાટણ શહેરમાં ધોળા દિવસે રોનક જ્વેલર્સની દુકાનમાંથી અજાણ્યો ઈસમ સોનાના દાગીના લેવાના બહાનાથી વેપારીની નજર ચૂકવી રૂ.1,02,000ના દાગીના સોનાની ચેન અને વીંટીની તસ્કરી કરી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ વેપારીને થતા તેની શોધખોળ આદરી હતી પરંતુ મળ્યો ન હતો.

પાટણ શહેરમાં મદારસા ચોક મધ્યે આવેલી સોના ચાંદીના દાગીનાની રોનક જ્વેલર્સ નામની દુકાનમાં કોઈ અજાણ્યો ઈસમ સોનાના દાગીના લેવાના બહાને આવ્યો અને વેપારીને સોનાના દાગીના લેવાના છે તેમ જણાવતા વેપારી રોનકકુમાર જીગ્નેશભાઈ મોદીએ તે ઈસમને સોનાની ચેન અને વીંટી બતાવી હતી. જેથી તે ઇસમે ચેન અને વીંટી લેવાનું જણાવતા વેપારી રોનકભાઈ મોદી બિલ બુક લેવા માટે દુકાનના અંદરના રૂમમાં ગયા હતા. તે સમયે તે ઇસમે રૂ.80,000ની દોઢ તોલાની સોનાની ચેન અને રૂ 22,000ની અડધા તોલાની સોનાની વીંટી મળી કુલ રૂ.1,02,000ની તસ્કરી કરી ભાગી ગયો હતો.બાદમાં આ ઘટનાની વેપારી રોનકભાઈ જીગ્નેશભાઈ મોદીને જાણ થતા તેમણે આ વિશે પાટણ શહેર એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. આ વિશે તપાસ અધિકારી પી.આઈ અશ્વિનભાઈ વસાવા એ જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને તેનું પગેરૂ મેળવવા માટે ટીમ કામે લાગી છે.તે ઈસમ મહેસાણા તરફનો હોવાની આશંકા છે