પરિવાર પાર્ટી પ્લોટમાં ગરબા જોવા ગયો તો ચોર કારના કાચ તોડી લેપટોપ લઈ છૂમંતર થયો

કઠવાડા રિંગ રોડ નજીક આવેલા પાર્ટી પ્લોટમાં પરિવાર ગરબા જોવા ગયો અને સર્વિસ રોડ પર પાર્ક કરેલ 3 ગાડીના ચોરે કાચ તોડી 1 ગાડીમાંથી રૂ. 50 હજારનું લેપટોપ ચોરી કરી ગયાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઇ હતી. 3 ગાડીના કાચ તોડતા કુલ 20 હજારના કાચનું નુકશાન થયું હતું.

વસ્ત્રાલના ઋત્વિકભાઈ ભાવસાર તેઓના પરિવાર સાથે દસક્રોઈના કઠવાડા નિકોલ રિંગરોડ પાસેના દયાવાન પાર્ટી પ્લોટમાં કાર લઈ ગરબા જોવા માટે ગયા હતા. પાર્ટી પ્લોટ પાસેના સર્વિસ રોડ પર કાર પાર્ક કરી કારમાં લેપટોપ મૂકીને ગયા હતા. ગરબા જોઈને પાછા આવી જોતાં તેઓની ગાડીના દરવાજાનો કાચ તૂટેલો હતો. અને કારની પાછળની સીટમાં મુકેલ લેપટોપ ચોર લઈ ગયા હતા. 50 હજારના લેપટોપ ઉપરાંત 5 હજારના કાચનું નુકશાન થયું હતું. આ ગાડીની પાછળ પાર્ક કરેલી અન્ય 2 અલગ-અલગ ગાડીના માલિક નરેશભાઈ રાજોરા તથા સુરેશભાઈ ગોસ્વામીની કારના દરવાજાના કાચ પણ તોડાયા હતા.

પરંતુ કોઈજ ચીજવસ્તુ ચોરી થઈ ન હતી. જોકે બંને ગાડીના 15000ના કાચનું નુકશાન કરાયું હતું.આમ ત્રણેય લોકોએ નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે લેપટોપ ચોરનાર અને કાચ તોડનાર ગેંગને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.