કબરાઉમાં પગે જતા પિતા-પુત્ર વાહનની અડફેટે આવી જતાં મોત


વાગડમાં એક જ દિવસે વાહન ચાલકોની બેદરકારી અને ઝડપને લીધે બે જીવલેણ અકસ્માત થયા હતા જેમાં કબરાઉ બસ સ્ટેશન નજીક જમવાનું પાર્સલ કરાવી પગપાળા જઇ રહેલા પિતા-પુત્રનું અજાણ્યા વાહને ટક્કર મારતા કરૂણ મોત નિપજ્યા , તો સામખિયાળી સંધ્યાગીરી બાપુની મઢી નજીક બાઇક પરથી પડી ગયા પછી વૃધ્ધા ઉપરથી ટ્રેઇલર ફરી વળતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાની ઘટના દાખલ થઈ હતી.
ભચાઉના કબરાઉ રહેતા જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુભાઇ વેલાભાઇ કાંઠેચા પોતાના પુત્ર હિરેન જીતુભાઇ કાંઠેચા સાથે ગૌતમભાઇ નાનજીભાઇ કાંઠેચાની ગેલેક્સી હોટલમાંથી જમવાનું પાર્સલ કરાવી પગપાળા ઘરે જવા માટે રવાના થયા હતા. બંને પિતા-પુત્ર કબરાઉ બસ સ્ટેશન નજીક પહોંચ્યા ત્યારે પૂરપાટે જઇ રહેલા અજાણ્યા વાહનના ચાલકે પિતા-પુત્રને ઠોકરે લીધા હતા જેમાં હિરેનના માથા ઉપરથી પૈડા ફરી વળતાં છૂંદાઇ ગયું હતું અને જિતેન્દ્રભાઇમાથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી જેને લીધે બંને પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.
જમવાનું લઇ ઘરે પહોંચે તે પૂર્વે જ પિતા-પુત્રને કાળ આંબી જતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માત સર્જી ભાગી ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે મૃતક જીતુભાઇના મોટા ભાઇ રમેશભાઇ વેલાભાઇ કાંઠેચાએ ફરિયાદ દાખલ કરાવી હતી. પીએસઆઇ વી.પી.આહીરે વધુ તપાસ હાથ ધરી છે.